: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૨૧ :
ઘણી ગંભીર છે; બહારના સંયોગ અને શુભાશુભ ભાવો હોવા છતાં એના ધ્યેયમાં તો
અખંડ શુદ્ધઆત્મા જ વર્તે છે. નિર્વિકલ્પ–અનુભૂતિનો આનંદ એણે વેદી લીધો છે. અહો,
આવું ચૈતન્યતત્ત્વ! અંતરમાં આવા તત્ત્વને દેખવું તે સમ્યક્દર્શન છે. તેની રીત
કુંદકુંદાચાર્યદેવે આ સૂત્રમાં બતાવી છે; જૈનદર્શનના ગંભીરભાવો આ ગાથામાં ભર્યા છે.
* * *
આ પ્રવચનસારની ૧૩ મી ગાથા વંચાય છે.
આત્માના પરમ સુખને માટે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કર્તવ્ય છે. તે માટે
રાગાદિ સાથેની એકતા તોડીને જ્ઞાનાનંદસ્વરૂપમાં પરિણતિ જોડવી તે પહેલું કર્તવ્ય છે.
તે કરતાં જ અંતરમાંથી પરમ શાંતિનું ઝરણું આવે છે.
સમ્યગ્દર્શન ઉપરાંત ચારિત્રદશામાં નિર્વિકલ્પ શુદ્ધોપયોગ, તે અનંત આનંદરૂપ
કેવળજ્ઞાનનું કારણ છે. અહો, શુદ્ધોપયોગ વડે જેઓને કેવળજ્ઞાન પ્રસિદ્ધ થયું છે તેમના
પરમસુખની શી વાત? તે સુખ આત્મામાંથી જ ઉત્પન્ન છે, ઈંદ્રિયોથી પાર છે, અનુપમ
છે, અનંત છે, અને વિચ્છેદ વગરનું છે. અહો, આત્માના આવા સુખની પ્રતીત કરતાં
આત્માના સ્વભાવની પ્રતીત થાય છે, ને બહારમાંથી સુખબુદ્ધિ છૂટી જાય છે.
જુઓ, આવા સુખનું સાધન શુદ્ધોપયોગ જ છે, બીજું કોઈ સાધન નથી.
શુદ્ધોપયોગમાં પોતાના જ્ઞાનસ્વભાવનું જ આલંબન છે; તેથી પોતાના અસાધારણ
જ્ઞાન–સ્વભાવને જ કારણપણે અંગીકાર કરતાં કેવળજ્ઞાન અને પરમસુખ થાય છે.
આત્માના સ્વભાવ સિવાય બીજા કોઈને સુખનું કારણ માનવું તે તો સંસાર–
તત્ત્વ છે. મિથ્યાત્વ તે સંસારતત્ત્વ જ છે. કોઈ જીવ ભલે પંચમહાવ્રતાદિ પાળે તોપણ
જ્યાં મિથ્યાત્વ છે ત્યાં સંસારતત્ત્વ જ છે; ને તે જીવ દુઃખી જ છે.
આત્માનું અતીન્દ્રિયસુખ તે જ સાચું સુખ છે; ને શુભાશુભ ઉપયોગ છોડીને
આવું સુખ પમાય છે. શુભાશુભને જે કર્તવ્ય માને તે કદી આત્માનું સુખ પામી શકે નહિ.
શુભાશુભને છોડીને અને શુદ્ધોપયોગને આત્મસાત્ કરીને કેવળીભગવંતો અનંત
આત્મસુખને પામ્યા છે. તે શુદ્ધોપયોગના ફળની પ્રશંસા કરીને આચાર્યદેવ ભવ્ય જીવોને
તેમાં પ્રોત્સાહિત કરે છે....અહો, આવા સુખની વાત સાંભળતાં પણ ભવ્ય જીવને
પ્રોત્સાહન ચડે છે કે વાહ! આવા સુખના કારણરૂપ શુદ્ધોપયોગ જ મારે કર્તવ્ય છે.