: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૨૫ :
તેમાં બંધ–મોક્ષના વિકલ્પો નથી, તેમાં બીજો કોઈ સ્વામી નથી ને બીજા કોઈની સેવા નથી;
તેમાં હાર–જીત નથી, તેમાં કોઈનું શરણ નથી. આવી શુદ્ધસત્તાને ધર્મી અનુભવે છે.
અહા, આવી સ્વસત્તા! તેને ધર્મી જ દેખે છે. સ્વસત્તાને જ જે દેખે નહિ તેને ધર્મ
કેવો? આત્માની સત્તાની અનુભૂતિમાં પુણ્ય કે પાપનો કલેશ નથી. દ્રવ્ય–ગુણ જેવી
પર્યાય પણ નિર્વિકલ્પ અભેદ થઈ તેમાં કલેશ કેવો?
પોતાના સહજ ચૈતન્યતત્ત્વ સિવાય બીજા કોઈનું વેદવું જેમાં નથી, નિર્વિકલ્પ
અનુભૂતિમાં પરલક્ષ જ નથી, એકલા સ્વદ્રવ્યને જ તે અવલંબનારી છે. તે પોતાના
સ્વરૂપને જ અવલંબે છે.
આત્માની આ શુદ્ધઅનુભૂતિ એવી ઉપશાંતરસમાં ઠરી ગયેલી છે કે જેમાં પાપ–
પુણ્યનો કલેશ નથી. અહા, હું જ્યાં મારા સ્વરૂપસન્મુખ પરિણમ્યો ત્યાં બધાય
પરભાવોનો કલેશ છૂટી ગયો. કોઈ પરભાવની ક્રિયા જ તેમાં ન રહી; રાગ–દ્વેષ
સ્વતત્ત્વના અવલંબનમાં નથી. અનંત સ્વભાવથી ભરેલો એકલો ચૈતન્યપિંડ જ હું છું, તે
જ મારી અનુભૂતિ છે. બંધ ટાળીને મોક્ષ કરું એવો વિકલ્પ પણ તેમાં નથી. આ હું મારો
અનુભવ કરું છું–એવોય ભેદ અનુભવમાં નથી; તેમાં તો એકલા સ્વરસનું વેદન છે. તેમાં
પોતે જ પોતાને શરણ છે; કોઈ બીજા નું શરણ નથી. પોતા સિવાય બીજા ભગવાન
ઉપર લક્ષ જ ક્યાં છે? પરમ વીતરાગતાના સ્વાદથી ભરેલી આ અનુભૂતિ તો
સમાધિની ભૂમિ છે–આવી સમાધિની ભુમિમાં શુદ્ધચૈતન્યસત્તાપણે પોતે બિરાજે છે.
હે જીવો! આત્માના હિત માટે આવી અનુભૂતિનો અંતરમાં ઉદ્યમ કરો. આવી અનુભૂતિ
જ મોક્ષનો આનંદ દેનારી છે. આવી અનુભૂતિ વગર મોક્ષસુખની આશા જૂઠી છે, અનુભૂતિ વડે
આત્માને પરભાવથી જુદો પાડીને જે શુદ્ધાત્માનું જ્ઞાન કર્યું તે નિઃશંકજ્ઞાન ધારાવાહી વર્તે છે. તે
જ્ઞાનધારામાં રાગનું કર્તાપણું જરાય નથી. આવો અંર્ત–આત્માનો માર્ગ છે.
* * * * *
વહાલા વાંચક સાધર્મી બંધુઓ,
“આત્મધર્મ તમે અત્યંત ભક્તિથી વાંચજો; તેના મનનથી તમારા
આત્મામાં અધ્યાત્મરસનું ઘોલન થશે, આત્માર્થભાવની પુષ્ટિ થશે. ઘેર
બેઠા આવું ઉત્તમ વીતરાગી સાહિત્ય મળવું તે પણ મહાન ભાગ્ય છે.”