: ૮ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
૫૧ ત્રણેકાળે હું મારા આવા પરમ ભાવરૂપ જ છું–આમ જે પર્યાયે અંતર્મુખ થઈને
સ્વીકાર્યું તે પર્યાય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–સુખરૂપ થયેલી છે. પર્યાય અંતર્મુખ
થઈને, અને રાગાદિથી જુદી પડીને, ‘પરમ ભાવસ્વરૂપ કારણ–પરમાત્મા હું છું’
એમ પોતાને અનુભવે છે–જાણે છે–દેખે છે–ભાવે છે. આવા કારણપરમાત્મામાં
ઉદયાદિ પરભાવોનું કદી ગ્રહણ નથી.
૫૨ અહો જીવો! આવો પરમસ્વભાવ લક્ષમાં લઈને તેની જ ભાવના કરવા જેવું છે.
આવા સ્વભાવની વાત સાંભળવાનું પણ મહા ભાગ્યે મળે છે. જેની પર્યાય
અંતર્મુખ પરિણમી છે તે ધર્માત્મા એમ જાણે છે કે હું ત્રિકાળ સહજ સ્વભાવથી
પરિપૂર્ણ પરમ આત્મા છું. મારા સ્વભાવનો કદી નાશ નથી. અરે, આવો હું
ત્રિકાળ છું–ત્યાં કોણ મને મારે? ને કોણ મારી રક્ષા કરે?
૫૩ મારો સ્વભાવ જ કેવળજ્ઞાનાદિ સ્વભાવથી સદા ભરપૂર છે, તેનો સ્વીકાર કરતાં
હવે પર્યાયમાં અભૂતપૂર્વ કેવળજ્ઞાનાદિ પ્રગટયે જ છૂટકો. પર્યાયમાં કેવળજ્ઞાનાદિ
ભાવો નવા પ્રગટયા, તેથી તે અભૂતપૂર્વ છે, પણ સહજ સ્વભાવથી તો હું સદાય
કેવળજ્ઞાનાદિસ્વરૂપ જ છું, એનાથી કદી જુદો પડ્યો જ નથી. –આમ ધર્મી પોતાને
ચિંતવે છે, જાણે છે, શ્રદ્ધે છે, અનુભવે છે. આનું નામ ભાવના છે. ને આ ભાવના
મોક્ષનો ઉપાય છે. માટે આવી પરમતત્ત્વની ભાવના નિરંતર કરો. રાગ વડે એવી
ભાવના નથી ભવાતિ, રાગાદિ પરભાવોને પરિહરીને ચૈતન્યની સન્મુખતાથી
એવી ભાવના ભવાય છે.
૫૪ અરે જીવ! અંદરના સ્વરૂપમાં ઊંડે જા... ઊંડે જા... ઊંડે ઊંડે તેરા આત્મા રહા છે.
રત્ન માટે દરિયામાં ઊંડે ડૂબકી મારવી પડે છે તેમ ચૈતન્યરસના સમુદ્રમાંથી
સમ્યગ્દર્શનાદિ પરમ રત્નોની પ્રાપ્તિ કરવા તું અંદર ઊંડે ઊતર; સમસ્ત પરભાવોને
અત્યંત પરિહરીને ચૈતન્યચમત્કારથી ભરેલા ચૈતન્યસમુદ્રમાં ઊંડો ઊતરી જા.
૫૫ ચૈતન્યતત્ત્વમાં ઊંડી ઊતરેલી એટલે કે તેમાં સન્મુખ થઈને પરિણમેલી પરિણતિ
વાળો જીવ–‘આ હું’ એમ પોતાને પરમાત્મસ્વરૂપે દેખે છે–અનુભવે છે. અહો,
અંતરમાં ઊંડે ઊતરીને આવા સ્વતત્ત્વરૂપે પોતાનો અનુભવો. એકાવતારી ઈન્દ્રો
પણ જેની વાત પરમ આદરથી સાંભળે છે એવા આ પરમતત્ત્વને લક્ષમાં લઈને
તેની ભાવના કરો...તેની સન્મુખ પરિણતિ કરો.