Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 44

background image
: ૧૨ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
કોલાહલથી દૂર અને યોગીઓને
[મારા આ અદ્ભુત તત્ત્વને અતિ અપૂર્વ રીતે હું ભાવું છું]
[ભાદ્ર. સુદ. ૮ નિયમસાર શ્લોક ૧૫૫–૧૫૬–૧૫૭]
પરમ પુરુષ એવો ચૈતન્યમૂર્તિ આત્મા કેવો છે? મન અને વચનના માર્ગથી તે
દૂર છે, મન–વચનથી અગોચર છે, પણ જ્ઞાનજ્યોતિ વડે ધર્માત્માઓના ચિત્તમાં તે સ્પષ્ટ
છે, ધર્માત્માઓ મન–વચનથી પર થઈને સ્પષ્ટ સ્વસંવેદનથી તેને અનુભવે છે. આવી
અનુભૂતિમાં વિધિ–નિષેધના કોઈ વિકલ્પો નથી; કેમકે ત્યાં ગ્રહવાયોગ્ય એવા
શુદ્ધતત્ત્વનું સાક્ષાત્ ગ્રહણ છે, ને નિષેધરૂપ સમસ્ત પર ભાવોનો અભાવ જ છે.
ધર્માત્મા પોતાની અનુભૂતિવડે આવા સહજ ચૈતન્યતત્ત્વને પોતામાં અનુભવે છે;
તેમાં ઈન્દ્રિયજનિત કોઈ કોલાહલ નથી, તે પરમ શાંત છે. ઈન્દ્રિયજ્ઞાન તો પરવલણવાળું
હોવાથી કોલાહલવાળું છે. મારું સહજ તત્ત્વ કોલાહલ વગરનું છે કેમકે ઈન્દ્રિયોથી તો પાર
છે. નયના વિકલ્પોથી દૂર હોવા છતાં કાંઈ તે અગોચર નથી, ઉપયોગને અંતરમાં જોડનારા
સાક્ષાત્ જણાય છે, અનુભવાય છે. મનથી ને કોલાહલથી દૂર હોવા છતાં ધર્મીની
સ્વસન્મુખ પર્યાયમાં તે સમીપ છે, દૂર નથી. આવું તત્ત્વ જ જગતમાં ઉત્કૃષ્ટ છે, તે
નિજઅનુભૂતિની સમૃદ્ધિથી શોભિત છે. મારા સમ્યગ્દર્શનાદિ ભાવોમાં મારો આત્મા અભેદ
છે તેથી તે જ સમીપ છે, ને પરભાવોનો કોલાહલ તેમાં નથી, તેનાથી તે દૂર છે, જુદો છે.
અજ્ઞાની જીવોની અનુભૂતિમાં રાગાદિ પરભાવો જ દેખાય છે, તેથી તેને
પરભાવો નજીક લાગે છે ને સહજ ચૈતન્યતત્ત્વ દૂર છે. જ્ઞાનીઓને સ્વાનુભૂતિમાં પોતાનું
પરમ તત્ત્વ નજીક છે, ને પરભાવો દૂર છે. અહો! સમ્યગ્દ્રષ્ટિને પોતાનો આત્મા ગમ્ય છે,
પોતામાં જ અનુભવગોચર છે, નજીક છે. અજ્ઞાની ઈન્દ્રિય–મનથી ને સંકલ્પ–વિકલ્પના
કોલાહલથી જુદો પડતો નથી તેથી તેને પરમતત્ત્વ દૂર છે. શુભના વિકલ્પથી દૂર
ચૈતન્યતત્ત્વ છે, ચૈતન્યની જ્યોતિ રાગથી જુદી પ્રકાશે છે તેમાં જ આત્મા છે. ચૈતન્યના
દીવડાની નજીક જ આત્માનું ઘર છે, અર્થાત્ તે જ આત્મા છે.
લોકોમાં કહેવાય છે કે ‘મામાનું ઘર કેટલે?.....દીવો બળે એટલે’. તેમ આત્માનું