: ૧૪ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
આત્માના નવ રસ
આત્મા અરસી હોવા છતાં તેનામાં અચિંત્ય વીતરાગી
નવરસ છે, તેનું આ વર્ણન છે. ચૈતન્યનો આ અનુભવરસ ચાખ્યા
પછી આખું જગત નીરસ લાગે છે. આત્માના અનુભવનો રસ એ
જ એક સાચો રસ છે. અનંતગુણનો રસ તેમાં સમાઈ જાય છે.
* * * * * *
લૌકિક નવરસનો અનુભવ તો જીવોને સંસારમાં અનાદિથી છે, પણ આત્મા
અને રાગની ભિન્નતાને જ્યારે જાણે ત્યારે જીવને ચૈતન્યના સ્વાદરૂપ અલૌકિક શાંતરસ
સહિત લોકોત્તર નવરસ પ્રગટે છે. સ્વાનુભૂતિરૂપ સમયસારના રસમાં ચૈતન્યના બધા
રસ સમાય છે; બધા રસ જ્ઞાનમાં ગર્ભિત છે. ઉપયોગ જેમાં એકાગ્ર થાય તેનો રસ
લીધો કહેવાય છે. જ્ઞાનમાં ગર્ભિત નવ રસનું અહીં વર્ણન કરે છે.
(૧) શૃંગારરસ–ચૈતન્યના સમ્યક્ત્વાદિ ગુણનો વિચાર તે આત્માનો શૃંગારરસ
છે. ચૈતન્યની શોભા આવા નિજગુણ વડે જ છે–એમ જ્ઞાનમાં નિજગુણની શોભાનો
વિચાર કરવો તે અધ્યાત્મ–શૃંગારરસ છે. દેહના શણગાર વડે કાંઈ આત્માની શોભા
નથી.
(૨) વીરરસ–ચૈતન્ય તરફ ઝુકાવ કરીને વીતરાગી વીરતાવડે કર્મોને ઝાડી
નાંખવા તેમા આત્માનો વીરરસ છે. શરીરના બળમાં કાંઈ આત્માની વીરતા નથી.
આત્માની વીરતા તો પુણ્ય–પાપથી પાર એવા ચૈતન્યસ્વરૂપને રચે–અનુભવે તેમાં જ છે;
તે જ વીરરસ છે.
(૩) કરુણારસ–આત્માનો અનુભવ થતાં એવો વીતરાગભાવ થાય કે સર્વે
જીવો પ્રત્યે રાગરહિત સમતાભાવ રહે–તે સાચો કરુણારસ છે. હું જ્ઞાયક ચિદાનંદ છું ને
બધા જીવો પણ મારા જેવા ચિદાનંદ છે–એમ દેખતાં સર્વે જીવો પ્રત્યે સમભાવ રહે તે
સમતારૂપ કરુણારસ છે. આ વીતરાગી કરૂણા છે. ભગવંતો પણ આવી કરૂણાવાળા છે.
આવો વીતરાગી કરૂણાભાવ જીવે કદી પ્રગટ કર્યો નથી. બહારમાં દુઃખી જીવોને દેખીને
કરૂણાનો શુભરાગ આવે તે તો લૌકિક કરૂણા છે. સર્વે જીવોને જ્ઞાનમય દેખતાં