: ૧૮ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
તેનું અભિમાન થતું નથી; તેમ જ પિતા વગેરે દરિદ્ર હોય તો તેથી દીનતા પણ થતી
નથી. એ બધા સંયોગથી અત્યંત ભિન્ન ચૈતન્યસ્વરૂપે જ પોતાને દેખ્યો છે. અરે, મારા
ચૈતન્યની અધિકતાથી બીજું કોણ અધિક છે–કે જેનો હું મદ કરૂં? મારા ચૈતન્યના તેજ
પાસે ચક્રવર્તીપદ પણ ઝાંખું લાગે છે, તેમાં મારી મોટાઈ નથી. ચક્રવર્તી પદ તો રાગનું
ફળ છે. ક્યાં અનંતગુણમય ચૈતન્યપદ, અને ક્યાં વિકારનું ફળ! જેણે પરમેશ્વરની
જાતિરૂપે પોતાને દેખ્યો તેને હવે એવી કઈ ખામી રહી કે બહારમાં દેહની જાતિ વગેરેમાં
પોતાપણું માને? ચૈતન્યજાતિ પાસે જડ–દેહની જાતિનાં અભિમાન કેવા? દેહ હું છું જ
નહીં, હું તો ચૈતન્ય જ છું–આવા સમ્યક્ ભાનમાં ધર્મીને શરીરાદિ સંબંધી મદ હોતા નથી.
મિથ્યાત્વરૂપ દોષ તો ધર્મીને હોય જ નહિ, અને સમ્યક્ત્વના અતિચારરૂપ દોષને પણ તે
દૂર કરે છે, તેનો આ ઉપદેશ છે. નિશ્ચય સમ્યગ્દર્શન સાથે આવો ચોક્ખો વ્યવહાર હોય
છે. તેમાં સહેજ પણ અતિચાર લાગે તો તે દોષ છે–એમ સમજીને તેનો ત્યાગ કરવો
જોઈએ. ધર્મનાં સ્થાન તો વીતરાગી અરિહંતદેવ, નિર્ગ્રંથ મુનિગુરુ અને વીતરાગી શાસ્ત્ર
છે, તેમાં ધર્મીજીવ શંકા કરે નહિ અને તેનાથી વિરુદ્ધ હોય તેને કોઈ પ્રકારે આદરે નહીં.
પ્રાણ જાય કે ગમે તેટલી પ્રતિકૂળતા આવે તોપણ વીતરાગી દેવ–ગુરુની શ્રદ્ધા છોડે નહિ,
એટલે તેને સમ્યક્ત્વમાં શંકાદિક દોષ હોતાં નથી.
સંસારમાં ભ્રમણ કરતો જીવ શુભાશુભ કર્મવશ ઊંચકૂળમાં તેમજ નીચકૂળમાં
અનંતવાર અવતરી ચુક્યો છે, એ તો ક્ષણિક સંયોગ છે. શાશ્વત આત્માને આ
અવતારનાં અભિમાન શા? અવતાર ધારણ કરવો તે તો શરમ છે. ઊચ્ચકૂળ પામ્યાનું
ફળ તો એ છે કે રત્નત્રયનાં ઉત્તમ આચરણવડે આત્માને મોક્ષમાર્ગમાં જોડવો, ને
મિથ્યાત્વાદિ પાપનાં અધમ આચરણને છોડવા. બાકી ઉત્તમકૂળમાં અવતરીને પણ જો
અભક્ષ્યભક્ષણ વગેરે નિંદ્ય કાર્ય કરે તો તે નરકમાં જ જાય; ઊંચુંકૂળ કાંઈ નરકમાં જતાં
રોકે નહીં.–આમ વિચારી ધર્મીજીવ કૂળ કે જાતિના મદને છોડે છે.
* એક વૈરાગી બાળક માતા પાસે દીક્ષાની રજા માંગે છે.
* ત્યારે માતા કહે છે–બેટા! તને દીક્ષાની રજા તો આપું, પણ એક શરતે!
* પુત્ર કહે છે–કહો માતા, કઈ શરત?
* માતા કહે છે–દીક્ષા લીધા પછી એવી આત્મસાધના કર કે ફરીને બીજી માતા
ન કરવી પડે; એટલે હું તારી છેલ્લી જ માતા હોઉં! –આ શરતે હું તને
દીક્ષાની રજા આપું છું.