: ૨૦ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
એવા ઈન્દ્રિયજ્ઞાનની મોક્ષમાર્ગમાં કાંઈ કિંમત નથી. એ ઈન્દ્રિયજ્ઞાન તો ક્ષણિક વિનાશી
છે. આત્માની કેવળજ્ઞાન–વિદ્યા પાસે ૧૪ પૂર્વનું જ્ઞાન પણ અનંતમાં ભાગનું છે, તો
તારા બાહ્ય ભણતરની શી ગણતરી? ૧૪ પૂર્વમાં તો અગાધજ્ઞાન છે, તે ભાવલિંગી
મુનિને જ થાય છે. ધર્મીને શાસ્ત્રભણતર વગેરે હોય પણ તેની તેને મુખ્યતા નથી, તેને
તો જ્ઞાનચેતના વડે અંતરમાં પોતાના આત્માને અનુભવવો તેની જ મુખ્યતા છે. ચૈતન્ય
સ્વભાવને જ્ઞાનચેતનામાં લીધા વગરનું બધું ભણતર તો થોથાં જેવું છે. ધર્મીને કદાચ
બીજું જાણપણું ઓછું હોય પણ અંદર જ્ઞાનચેતના વડે આખા ભગવાન આત્માને જાણી
લીધો–તેમાં બધુંય આવી ગયું.
જરાક જાણપણું થાય ત્યાં તો, અમને બધું આવડે છે ને બીજાને નથી આવડતું–
એવી ઘમંડબુદ્ધિથી અજ્ઞાની બીજા ધર્માત્માનો પણ અનાદર કરી નાંખે છે. કેવળ
જ્ઞાનવિદ્યાનો સ્વામી આત્મા કેવો છે એની એને ખબર નથી એટલે તે ઈન્દ્રિયજ્ઞાનમાં
રાચી રહ્યો છે. કેવળજ્ઞાનસ્વભાવને જાણે તો ઈન્દ્રિયજ્ઞાનનું અભિમાન થાય નહીં.
ઈન્દ્રિયજ્ઞાન તો પરાધીનજ્ઞાન, તેની હોંશ શી?
અહો, વીતરાગી શ્રુતનું જ્ઞાન તો વીતરાગતાનું કારણ છે, તે માનાદિ કષાયનું
કારણ કેમ થાય? માટે જૈનધર્મના આવા દુર્લભ જ્ઞાનને પામીને આત્માને માનાદિ કષાય
ભાવોથી છોડાવવો, ને જ્ઞાનના પરમ વિનયપૂર્વક સંસારના અભાવનો ઉદ્યમ કરવો.–એ
રીતે જે પોતાના જ્ઞાનને મોક્ષમાર્ગમાં જોડે છે તે ધર્મીને જ્ઞાનમદ કે વિદ્યામદ હોતો નથી.
અરે, મારો ચૈતન્યભગવાન મેં મારામાં દેખ્યો, તેની પૂર્ણ પરમાત્મદશા પાસે
બીજા કોનાં અભિમાન કરું? ક્યાં સર્વજ્ઞદશા? ક્યાં મુનિઓની વીતરાગી ચારિત્રદશા?
ને ક્યાં મારી અલ્પદશા? સ્વભાવથી પૂરો પરમાત્મા હોવા છતાં જ્યાં સુધી કેવળજ્ઞાન ન
પામું ત્યાં સુધી હું નાનો જ છું;–આમ દ્રષ્ટિમાં પ્રભુતા, ને પર્યાયમાં પામરતા–બંનેનો
ધર્મીને વિવેક છે.
૫. ધનમદ અથવા ઋદ્ધિનો મદ : અંદરમાં પોતાનો ચૈતન્યવૈભવ જેણે દેખ્યો છે
એવા ધર્માત્મા બહારના વૈભવને પોતાનો માનતા જ નથી પછી તેનો મદ કેવો? દરિયા
જેવો પૂર્ણાનંદ પોતામાં ઊછળે છે એનું ભાન થયું ત્યાં બીજે બધેથી મદ ઊડી ગયો.
માતા–પિતા–ધન–શરીર–પુત્ર–રાજપદ–પ્રધાનપદ એ તો બધા કર્મકૃત છે, એનાં
અભિમાન શા? જે રાગ અને પુણ્યથી પોતાના ચૈતન્યમૂર્તિ આત્માને જુદો અનુભવ્યો છે
તે રાગનાં ને પુણ્યફળનાં અભિમાન શા? એ તો બધી કર્મસામગ્રી છે, તેમાં કાંઈ