: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૩ :
તીર્થંકર! તેઓ પણ સભામાં ગંભીરપણે બેઠા હતા. સભામાં કોઈએ શ્રીકૃષ્ણના બળનાં
વખાણ કર્યા, તો કોઈએ નેમકુમારનાં વખાણ કર્યા. કોનું બળ વધે તેની પરીક્ષા કરવાનું
નક્કી થયું. ત્યારે નેમકુમાર ટચલી આંગળી લંબાવીને શ્રીકૃષ્ણને કહે છે કે તમારામાં બળ
હોય તો આ આંગળી વાંકી કરી આપો! શ્રીકૃષ્ણ તે આંગળીએ ટીંગાઈ ગયા તોપણ
આંગળી વાંકી ન કરી ન શક્યા.–આવું અચિંત્ય શરીરબળ, છતાં તે વખતેય આત્માને
તેનાથી સર્વથા જુદો જ જાણતા હતા; સમ્યક્ત્વમાં આઠે મદનો અભાવ હતો.
અસ્થિરતાનો વિકલ્પ આવ્યો પણ તેમાં સમ્યકત્વ સંબંધી કોઈ દોષ ન હતો. આવા
સમ્યકત્વને ઓળખીને તેની આરાધના કરવાનો ઉપદેશ છે.
ધર્માત્માને કુદરતે પુણ્યના ઠાઠ આવે, પણ તે જાણે છે કે આ પુણ્યના ઠાઠમાં અમે
નથી; અમારા ચૈતન્યના ઠાઠ એનાથી જુદા જ છે. અમારું સામર્થ્ય અમારી અંદર સમાય
છે, અમારા ચૈતન્યનું બળ કાંઈ દેહમાં નથી. આવા ભાનમાં ધર્મીને શરીરના બળનો મદ
નથી. શરીરથી જે ધર્મ માને તેને શરીરનો મદ થયા વિના રહે નહીં.
૭. તપમદ : પોતે કોઈ ઉપવાસ સ્વાધ્યાયાદિ તપ કરતો હોય ને બીજા ધર્માત્માને
ઉપવાસાદિની વિશેષતા ન હોય ત્યાં ધર્મી જીવ પોતાને અધિક ને બીજાને હલકો માનીને
તપમદ કરતો નથી. અહા, ખરા તપસ્વી તો તે શુદ્ધોપયોગી મુનિ ભગવંતો છે કે જેઓ
ચૈતન્યના ઉગ્ર પ્રતપન વડે વીતરાગભાવ પ્રગટાવીને કર્મોને ભસ્મ કરી નાંખે છે; હું તો હજી
પ્રમાદમાં પડ્યો છું. શરીરની નિર્બળતાથી કોઈ ઉપવાસાદિ તપ ન કરી શકે પણ જ્ઞાન–
ધ્યાયની ઉગ્રતા વડે આત્માની શુદ્ધતા વધારતા હોય તો તે ધન્ય છે. આ પ્રમાણે સમ્યગ્દ્રષ્ટિને
તપનો મદ થતો નથી. મદ તે તો કષાય છે, ને તપ તે તો કષાયના નાશને માટે છે.
૮. ઐશ્ચર્યમદ : એટલે પૂજ્યપણાનો મદ અથવા અધિકારનો મદ, તે ધર્માત્માને
હોતો નથી. અમે તો સર્વજ્ઞના પુત્ર છીએ; અમારું પદ તો સર્વજ્ઞપદ છે, બીજા કોઈ
અમારાં પદ નથી. કેવળજ્ઞાન વડે જ અમારી મોટાઈ છે, એ સિવાય બહારનાં રાજપદ કે
પ્રધાનપદ વડે અમારા આત્માની મોટાઈ નથી.–આમ જાણનાર ધર્મીને બહારની
મોટાઈનો મદ હોતો નથી. પુણ્યયોગે બહારની મોટાઈ ને ઠાઠમાઠ હોય પણ તેને કારણે
પોતાના આત્માની મોટાઈ ધર્મી માનતા નથી.
‘લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો? ’ એ તો બધા સંસારના ઠાઠ
છે, તેમાં કાંઈ આત્માની શોભા નથી. મારો આત્મા પોતે સિદ્ધ પરમેશ્વર છે,–એની પાસે
બીજું ક્યું ઐશ્વર્ય કે મોટાઈ છે કે જેનો હું મદ કરું?