Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 44

background image
: ૨૪ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
અરે, રાગ અને રાગનાં ફળ એ તો બધા અપદ છે–અપદ છે. લોકો બહારની પદવી માટે
ઝાંવા નાંખે છે, પણ ધર્મી જાણે છે કે એ કાંઈ મારા ચૈતન્યનું ફળ નથી, વિકારનું ફળ છે
તેની હોંશ શી? ચૈતન્યના પદ પાસે ચક્રવર્તીપદ પણ તદ્ન તૂચ્છ છે. આવું ચૈતન્યપદ
જેણે પોતામાં પ્રાપ્ત કર્યું (જાણ્યું ને અનુભવ્યું) તે બીજા ક્યા પદનાં અભિમાન કરે?
અહા, ત્રણલોકમાં સૌથી ઊંચું એવું અમારું ચૈતન્યપદ અમે અમારા અંતરમાં દેખ્યું છે,
અંતરમાં આનંદની અપૂર્વ વીણા વાગી છે, અતીન્દ્રિય સુખના તરંગથી ચૈતન્યદરિયો
ઊછળ્‌યો છે; આવો આનંદસ્વરૂપ હું પોતે છું. આનંદથી ઊંચું જગતમાં બીજું શું છે?
આવી આત્મઅનુભૂતિને લીધે ધર્માત્માને જગતનાં ઐશ્ચર્યનો મોહ ઊડી ગયો છે, તેથી
તેને ક્યાંય ઐશ્વર્યનો મદ થતો નથી. મોટો અધિકાર હોય, લાખો–કરોડો લોકો પૂજતા
હોય, આખા દેશમાં હુકમ ચાલતો હોય,–પણ તેને લીધે આત્માની જરાય મોટાઈ ધર્મી
માનતા નથી. મારી મોટાઈ તો મારા સ્વભાવથી જ છે; બીજા મને મોટાઈ શું આપશે?
બીજા પાસેથી મોટાઈ લેવી પડે એવો પરાધીન હું નથી. આ રીતે ધર્મીને મોટાઈનો મદ
હોતો નથી. તેમજ બીજા જીવો અશુભકર્મના ઉદયથી દરીદ્ર હોય તેની અવજ્ઞા પણ કરતા
નથી. બહારનું ઐશ્વર્ય હોવું કે ન હોવું તે તો કર્મકૃત છે, એનું સ્વામીત્વ ધર્મીને નથી.
મિથ્યાદ્રષ્ટિ મોટો રાજા હોય ને સમ્યગ્દ્રષ્ટિ તેની નોકરી કરતો હોય–એ તો બધા શુભાશુભ
કર્મના ચાળાં છે, તેથી ધર્મી પોતાને દીન નથી માનતો. પોતાના અક્ષય જ્ઞાનાદિ અનંત
ઐશ્વર્યને તે પોતામાં દેખે છે. આ રીતે ધર્મીને મદ કે દીનતાનો અભાવ છે.
ધર્માત્માને સમ્યકત્વપૂર્વક આવા આઠ મદનો અભાવ થયો છે. સ્વદ્રવ્ય ને
પરદ્રવ્યની અત્યંત ભિન્નતા જેણે જાણી છે તેને પરચીજ વડે પોતાની મોટાઈ ભાસતી
નથી. માતા–પિતા–શરીર–રૂપ–ધન વગેરે જે ચીજ મારી છે જ નહિ તેના વડે મારી
અધિકતા કેમ હોય? મારી અધિકતા તો મારા સમ્યકત્વાદિ સ્વભાવ વડે છે. સુંદર શરીર
ને બહારની મોટાઈ એ તો અનંતવાર મળ્‌યું, તેમાં જેને પોતાની શોભા લાગે છે તેને
ચૈતન્યપદથી શોભતા એવા પોતાના આત્માનું ભાન નથી. દેહ–જાતિ–રૂપ–માતા–પિતા–
ધન–વૈભવ–મોટી પદવી એ તો બધા પરદ્રવ્ય છે, તે બધાથી પોતાના આત્માને સર્વથા
જુદો અનુભવ્યો પછી ધર્મીને તે પદાર્થો વડે પોતાની મોટાઈ કેમ ભાસે? માટે તેને આઠ
મદ હોતા નથી. મોટાઈનો કોઈ વિકલ્પ આવી જાય તો તેને પણ મલિનતા જાણીને તે
ભાવ છોડવો ને દોષરહિત શુદ્ધ સમ્યકત્વની આરાધના કરવી–એમ ઉપદેશ છે.