Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 44

background image
: ૩૦ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
અકંપનમુનિવરોને દેખીને બલિમંત્રી ભયથી કંપી ઊઠ્યો તેને બીક લાગી કે આ
મુનિઓને લીધે અમારાં ઉજ્જૈનનાં પાપ જો પ્રગટ થઈ જશે તો અહીંથી પણ રાજા
અમને અપમાન કરીને કાઢી મુકશે. ક્રોધથી પોતાના વેરનો બદલો લેવાનું તે મંત્રીઓ
વિચારવા લાગ્યા.
છેવટે તે પાપી જીવોએ તે બધા મુનિઓને જીવતા જ બાળી નાંખવાની એક દુષ્ટ
યોજના નક્કી કરી. રાજા પાસે વચન માંગવાનું બાકી હતું તે તેમણે માંગ્યું કે મહારાજ!
અમારે એક મોટો યજ્ઞ કરવો છે તે માટે અમને સાત દિવસનું રાજ્ય આપો.
પોતાના વચનનું પાલન કરવા રાજાએ તેમને સાત દિવસ માટે રાજ્ય સોંપી
દીધું, ને પોતે રાજમહેલમાં જઈને રહ્યો.
બસ! રાજ્ય હાથમાં આવતાં જ તે દુષ્ટ મંત્રીઓએ ‘નરબલિયજ્ઞ’ કરવાનું જાહેર
કર્યું...ને જ્યાં મુનિવરો બિરાજતા હતા તેની ચારેકોર હિંસા માટે પશુઓ તેમજ ગંધાતા
હાડકાં માંસ ચામડા તથા લાકડાંના ઢગલેઢગલા કર્યાં, ને તે સળગાવીને મોટો ભડકો
કર્યો; મુનિઓની ચારે બાજુ અગ્નિની જ્વાળા પ્રગટી. મુનિવરો પર ઘોર ઉપસર્ગ થયો.
–પણ આ તો મોક્ષના સાધક વીતરાગી મુનિ! અગ્નિના ભડકા વચ્ચે પણ તે
મુનિવરો તો શાંતિથી આત્માના વીતરાગી અમૃતરસનું પાન કરતા હતા. બહારમાં ભલે
અગ્નિ પ્રગટ્યો પણ તેમના અંતરમાં તેમણે ક્રોધાગ્નિ જરા પણ પ્રગટ થવા ન દીધો.
અગ્નિના ભડકા તો નજીક ને નજીક આવી રહ્યા હતા...લોકોમાં ચારેકોર હાહાકાર થઈ
ગયો. હસ્તિનાપુરના જૈનસંધને અપાર ચિંતા થઈ; મુનિવરોનો ઉપસર્ગ દૂર ન થાય ત્યાં
સુધી બધા શ્રાવકોએ પણ અન્ન–પાણીનો ત્યાગ કર્યો.
અરે, મોક્ષને સાધનારા ૭૦૦ મુનિઓ ઉપર આવો ઘોર ઉપસર્ગ દેખીને કુદરત
પણ જાણે ધ્રૂજી ઊઠી...આકાશમાં શ્રવણનક્ષત્ર જાણે કંપી રહ્યું હોય! એમ એક ક્ષુલ્લકજીને
દેખાયું, ને તેમના મુખમાંથી હાહાકાર નીકળી ગયો. તેમણે આચાર્ય મહારાજને વાત
કરી. આચાર્ય મહારાજે નિમિત્તજ્ઞાનથી જાણીને કહ્યું કે અરે! અત્યારે હસ્તિનાપુરમાં
૭૦૦ મુનિઓના સંઘ ઉપર બલિરાજા ઘોર ઉપસર્ગ કરી રહ્યો છે, ને તે મુનિવરોનું
જીવન ભયમાં છે.
ક્ષુલ્લકજીએ પૂછ્યું–પ્રભો! એમને બચાવવાનો કોઈ ઉપાય?