: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૧ :
આચાર્યે કહ્યું–હા; વિષ્ણુકુમાર મુનિરાજ તેમનો ઉપસર્ગ દૂર કરી શકે તેમ છે,
કેમકે તેમને એવી વિક્રિયાલબ્ધિ પ્રગટી છે કે જેવડું રૂપ કરવું હોય તેવડું કરી શકે પણ
તેઓ તો પોતાની આત્મસાધનામાં એવા લીન છે કે–તેમને પોતાની લબ્ધિની પણ ખબર
નથી, ને મુનિઓના ઉપસર્ગનીયે ખબર નથી.
આ સાંભળીને આચાર્યની આજ્ઞા લઈને તે ક્ષુલ્લકજી તરત વિષ્ણુમુનિ પાસે ગયા
ને તેને બધી વાત કરીને પ્રાર્થના કરી કે હે નાથ! આપ વિક્રિયાલબ્ધિ વડે આ ઉપસર્ગ ને
શીઘ્ર દૂર કરો.
એ વાત સાંભળતાંવેંત વિષ્ણુમુનિના અંતરમાં ૭૦૦ મુનિઓ પ્રત્યે પરમ
વત્સલ્ય ઊભરાયું. વિક્રિયાલબ્ધિની ખાતરી કરવા તેમણે હાથ લંબાવ્યો તો ઠેઠ
માનુષોત્તર પર્વત સુધી આખા મનુષ્યલોકમાં તે લંબાયો. તરત તેઓ હસ્તિનાપુર આવી
પહોંચ્યા. અને પોતાનો ભાઈ–કે જે હસ્તિનાપુરનો રાજા હતો–તેને કહ્યું–અરે બંધુ! તારા
રાજ્યમાં આ શો અનર્થ?
પદ્મરાજે કહ્યું : પ્રભો! હું લાચાર છું, અત્યારે રાજસત્તા મારા હાથમાં નથી.
એની પાસેથી બધી વાત જાણીને વિષ્ણુમુનિએ ૭૦૦ મુનિનુ રક્ષા ખાતર પોતે
થોડીવાર મુનિપણું છોડીને એક ઠીંગણા બ્રાહ્મણ પંડિતનું રૂપ લીધું. અને બલિરાજા પાસે
આવીને અત્યંત મધુર સ્વરે ઉત્તમ શ્લોક બોલવા લાગ્યા.
બલિરાજા તો એમનું દિવ્યરૂપ દેખીને અને મધુર વાણી સાંભળીને મુગ્ધ થઈ
ગયો; અહો, તમે આવીને મારા યજ્ઞની શોભા વધારી છે! એમ કહીને તેણે તે વિદ્વાનનું
સન્માન કર્યું અને જે જોઈએ તે માંગવા કહ્યું.
અહા, અયાચક મુનિ, જગતના નાથ...તે અત્યારે પોતાના ૭૦૦ સાધર્મીઓની
રક્ષા ખાતર યાચક બન્યા! આવું છે ધર્મવાત્સલ્ય! મૂર્ખ રાજાને ક્યાં ખબર હતી કે જેને
હું યાચના કરવાનું કહું છું તે જ હમણાં મને ધર્મના દાતાર થશે, અને હિંસાના ઘોર
પાપમાંથી મારો ઉદ્ધાર કરશે.
તે બ્રાહ્મણવેષધારી વિષ્ણુકુમારે રાજાનું વચન લઈને ત્રણ પગલાં જમીન માંગી.
રાજાએ ખુશીથી તે જમીન માપી લેવા કહ્યું. –બસ, થઈ ચૂક્યું!
રાજા ઊંચું જુએ છે ત્યાં તો વિષ્ણુએ વામનને બદલે વિરાટ રૂપ ધારણ કર્યું.