Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 44

background image
: ૩૨ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
વિષ્ણુનું એ વિરાટસ્વરૂપ દેખીને રાજા તો ચકિત થઈ ગયો. તેને સમજાયું નહીં કે અરે
આ શું થઈ રહ્યું છે!
વિરાટસ્વરૂપ વષ્ણુએ એક પગ મનુષ્યલોકના આ છેડે, અને બીજો પગ બીજા
છેડે મુકીને બલિરાજાને કહ્યું–બોલ હવે ત્રીજું પગલું ક્યાં મૂકું? ત્રીજું પગલું મુકવાની
જગ્યા આપ, નહીંતર તારા માથા પર પગ મુકીને તને પાતાળમાં ઉતારી દઉં છું?
મુનિરાજની આવી વિક્રયા થતાં ચારેકોર ખળભળાટ થઈ ગયો; આખું બ્રહ્માંડ જાણે
ધૂજી ઊઠ્યું! દેવો અને મનુષ્યોએ આવીને વિષ્ણુમુનિરાજની સ્તુતિ કરી અને વિક્રિયા
સંકેલી લેવા વિનતિ કરી. બલિરાજા વગેરે ચારે મંત્રીઓ મુનિરાજના પગે પડીને પોતાની
ભૂલની માફી માંગવા લાગ્યા : પ્રભો, ક્ષમા કરો! મેં આપને ઓળખ્યા નહીં.
વિષ્ણુમુનિરાજે ક્ષમાપૂર્વક તેમને અહિંસાધર્મનું સ્વરૂપ સમજાવ્યું, તથા જૈન–
મુનિઓની વીતરાગી ક્ષમા બતાવીને તેમનો મહિમા સમજાવ્યો, અને આત્માના હિતનો
પરમ ઉપદેશ આપ્યો. તે સાંભળીને તેઓનું હૃદય–પરિવર્તન થયું, ને ઘોર પાપની ક્ષમા
માંગીને તેમણે આત્માના હિતનો માર્ગ અંગીકાર કર્યો. અહા, વિષ્ણુકુમારની
વિક્રિયાલબ્ધિ બલિ વગેરેને ધર્મપ્રાપ્તિનું કારણ બની ગઈ! તે જીવોએ પોતાના પરિણામ
ક્ષણમાં પલટી નાંખ્યા. અરે, આવા શાંત–વીતરાગ મુનિઓ ઉપર અમે આવો ઉપસર્ગ
કર્યો,–ધિક્કાર છે અમને! આમ પશ્ચાત્તાપપૂર્વક તેમણે જૈનધર્મનો સ્વીકાર કર્યો. આ રીતે
વિષ્ણુમુનિભગવાને બલિરાજા વગેરેનો ઉદ્ધાર કર્યો...ને ૭૦૦ મુનિઓની રક્ષા કરી.
ચારેકોર જૈનધર્મના જયજયકાર ગાજી ઊઠયા. તરત જ હિંસક યજ્ઞ બંધ થઈ
ગયો; મુનિવરો ઉપરનો ઉપસર્ગ દૂર થયો. હજારો શ્રાવકો પરમ ભક્તિથી ૭૦૦
મુનિવરોની વૈયાવચ્ચ કરવા લાગ્યા; વિષ્ણુકુમારે પોતે ત્યાં જઈને મુનિઓની વૈયાવચ્ચ
કરી અને મુનિવરોએ પણ વિષ્ણુકુમારના વાત્સલ્યની પ્રશંસા કરી. અહા! વાત્સલ્યનું એ
દ્રશ્ય. અદ્ભુત હતું! બલિ વગેરે મંત્રીઓએ પણ મુનિઓ પાસે જઈને ક્ષમા માંગી ને
ભક્તિથી સેવા કરી.
ઉપસર્ગ દૂર થયો તેથી મુનિઓ આહાર માટે હસ્તિનાપુરી નગરીમાં પધાર્યા. હજારો
શ્રાવકોએ અતિશય ભક્તિપૂર્વક મુનિઓને આહારદાન કર્યું, ત્યાર પછી જ તે શ્રાવકોએ
ભોજન કર્યું. જુઓ, શ્રાવકોનો પણ કેવો ધર્મપ્રેમ! ધન્ય તે શ્રાવકો....ને ધન્ય તે સાધુઓ.