: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૧૫ :
‘હું અનુભવું છું મારા ચૈતન્યસુખને’
[સોનગઢમાં કહાનસોસાયટીમાં દહેગામવાળા ભાઈશ્રી હીરાલાલ ભીખાભાઈના
મકાન “સુશ્રુત”ના વાસ્તુપ્રસંગે મંગલ પ્રવચનમાંથી :
નિયમસાર કળશ ૧૯૯ આસો સુદ બીજ]
અહા, આ ચૈતન્યસંપદા પાસે જગતની કોઈ સંપદાની
કિંમત નથી. જેણે અંતરની અનુભૂતિવડે આવી ચૈતન્ય–
સંપદાવાળો આત્મા પ્રાપ્ત કર્યો તે જ સાચો લક્ષ્મીવાન છે;
બાકી બહારના સંયોગથી મોટાઈ લેવા માંગે તે તો બધા દરીદ્ર
છે. ભગવાન! તું ગરીબ નથી, દીન નથી, તું તો ચૈતન્ય
સંપદાથી ભરેલો ભગવાન છો... સુખની સંપદા તો તારામાં જ
ભરી છે. જ્ઞાનને અંતરમાં વાળીને તારા સ્વરૂપની સમાધિવડે
તેને જાણ... તારો આનંદમય આત્મવૈભવ, ત્રણલોકમાં સૌથી
શ્રેષ્ઠ, તે તારી જ સમાધિનો વિષય છે–એટલે તારા અંતર્મુખ
ઉપયોગમાં જ તે પ્રાપ્ત થાય છે; એ સિવાય બીજા કોઈ
ઉપાયથી તેની પ્રાપ્તિ થતી નથી. માટે અંતરના ઉપયોગવડે
સુખસંપદાથી ભરપૂર તારા ‘ચૈતન્યધામ’માં આનંદથી વસ!
હવે તારા આનંદધામમાં વાસ્તુ કર!
અનંત ચૈતન્યશક્તિથી ભરપૂર પોતાની પ્રભુતાને ભૂલીને જીવ સંસારની ચાર
ગતિમાં જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં શુભાશુભરાગના ફળરૂપ દુઃખને જ અનુભવ્યું છે.
અરેરે, આત્મા તો ચૈતન્યસ્વરૂપ વિશુદ્ધ સુખધામ છે; તેને ભૂલીને અત્યાર સુધી મેં
ઝેરીવૃક્ષનાં ફળ જેવા દુઃખને અનુભવ્યું; પણ હવે હું તે ભૂલને છોડું છું ને મારા શુદ્ધ
ચૈતન્યસુખને અનુભવું છું. મારી અનુભૂતિમાં ભવનાં દુઃખનો અભાવ છે. ચૈતન્ય–
સ્વભાવના અમૃતને ચૂકીને ચારેગતિ તરફનો ભાવ તે વિષવૃક્ષ છે, તેનું ફળ દુઃખ દુઃખ
ને દુઃખ જ છે,–ભલે સ્વર્ગમાં હો, ત્યાં પણ જીવ અજ્ઞાનભાવથી દુઃખી જ છે, પણ જ્યાં
ચૈતન્યશક્તિનું ભાન થયું, પોતે પોતાની પ્રભુતા દેખી, ત્યાં પોતાના આત્મામાંથી