: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૧૭ :
આનંદનો વેદન સહિત આત્માનું જ્ઞાન પ્રગટે છે. આનંદ વગરનું જ્ઞાન તે સાચું જ્ઞાન નથી.
ભાઈ, તારે સુખી થવું છે ને? સુખની ઉત્પત્તિ તો તારા આત્મામાંથી થાય છે,
માટે ઉપયોગને આત્મામાં જોડ, ચૈતન્યસરોવર પરમ આનંદથી ભરેલું છે;
સિદ્ધભગવંતોએ જે આનંદ પ્રગટ કર્યો તે આનંદ ચૈતન્યસરોવરમાં ભરેલો છે; તે
ચૈતન્યસરોવરથી બહાર દોડ્યે તને ક્યાંય સાચી શાંતિનાં જળ નહીં મળે. સાચી શાંતિ
માટે અંદર તારા ચૈતન્યસરોવરમાં જા.
ચૈતન્યસુખને અનુભવતાં જ જ્ઞાનીને એમ થાય છે કે અહો! મારો આવો
અચિંત્ય પરમ આનંદ મારામાં જ હોવા છતાં અત્યાર સુધી મારા સુખને ભૂલીને હું દુઃખી
થયો હતો. અહો! હવે તો ચૈતન્યભગવાન નિજાત્મગુણોના વૈભવ સહિત મારા અંતરમાં
સ્ફૂરાયમાન થયા છે... સમ્યગ્દર્શનની મારી અનુભૂતિમાં મારી આત્મસંપદા પ્રગટ થઈ
છે; મારી સંપદા મેં મારામાં દેખી છે; તેના પરમ આનંદને અનુભવતો હું હવે વિભાવનાં
ઝેરીફળને ભોગવતો નથી. તેને મારાથી ભિન્ન જાણું છું.
અહો, આવી ચૈતન્યસંપદા! તે ધર્માત્માની અનુભૂતિનો જ વિષય છે; રાગનો
વિષય તે નથી; રાગથી પાર એવી જે નિર્વિકલ્પ સમાધિ, તેમાં પોતાની ચૈતન્યસંપદાને
ધ્યેય બનાવતાં સમ્યગ્દર્શન અને પરમ આનંદ પ્રગટ થાય છે. પૂર્વે એક ક્ષણ પણ આવી
ચૈતન્યસંપદાને મેં જાણી ન હતી; પણ હવે તે ચૈતન્યસંપદા મારી નિર્વિકલ્પ સમાધિમાં
પ્રગટ થઈ છે, સાક્ષાત્ અનુભવમાં આવી ગઈ છે.
અહા, આ ચૈતન્યસંપદા પાસે જગતની કોઈ સંપદાની કિંમત નથી. જેણે
અંતરની અનુભૂતિવડે આવી ચૈતન્યસંપદાવાળો આત્મા પ્રાપ્ત કર્યો તે જ સાચો
લક્ષ્મીવાન છે; બાકી બહારના સંયોગથી મોટાઈ લેવા માંગે તે તો બધા દરીદ્ર છે.
ભગવાન્! તું ગરીબ નથી, દીન નથી, તું તો ચૈતન્યસંપદાથી ભરેલો ભગવાન છો...
સુખની સંપદા તો તારામાં જ ભરી છે. જ્ઞાનને અંતરમાં વાળીને તારા સ્વરૂપની
સમાધિવડે તેને જાણ... તારો આનંદમય આત્મવૈભવ, ત્રણલોકમાં સૌથી શ્રેષ્ઠ, તે તારી
જ સમાધિનો વિષય છે. –એટલે તારા અંતર્મુખ ઉપયોગમાં જ તે પ્રાપ્ત થાય છે; એ
સિવાય બીજા કોઈ ઉપાયથી તેની પ્રાપ્તિ થતી નથી. માટે અંતરના ઉપયોગવડે
સુખસંપદાથી ભરપૂર તારા ‘ચૈતન્યધામ’માં આનંદથી વસ! હવે તારા આનંદધામમાં
વાસ્તુ કર!