Atmadharma magazine - Ank 336
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 44

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૧૯ :
સંપત્તિને સંભાળો. ચૈતન્યની સંપદાનો અનુભવ કરીને સાધકભાવ પ્રગટ કરો.
આત્મહિતમાં મસ્ત થાઓ; રાગથી અલગ તમે તો ચૈતન્ય છો. માટે પરનો સંબંધ છોડી,
રાગ–દ્વેષના બંધન તોડીને, જ્ઞાનસ્વરૂપ તમારા આત્માને આનંદથી સાધો. આત્મબળ
જાગૃત કરીને મોહને તોડો ને સમ્યક્ત્વકિરણ પ્રગટ કરીને સુખી થાઓ.
વાહ, જુઓ તો ખરા, આત્મહિત માટે શ્રીગુરુનો વીતરાગી ઉપદેશ! તારે જ્ઞાન–
આનંદથી ભરેલા ચૈતન્યભંડારનો અનુભવ કરવો હોય તો ધનદોલત, દેહ અને રાગ
બધાયની રુચિ તોડીને અંતરમાં આત્મા પાસે આવ. આખા જગતનો રસ છોડીને
ચૈતન્યનો રસ એવો પ્રગટાવ કે તેમાં ઉપયોગની એકાગ્રતા થાય. આવો આત્મપ્રેમ
પ્રગટાવીશ ત્યારે સાધકદશા શરૂ થશે, ત્યારે ચૈતન્યસંપત્તિનું સાચું સુખ પ્રગટશે.
એકકોર ભગવાન આતમરામ, બીજી કોર સંકલ્પવિકલ્પથી માંડીને આખુંય
જગત; તેમાંથી એક ચીજ પસંદ કરી લે. તારે આતમરામ જોઈતો હોય તો એના સિવાય
જગતની બીજી કોઈ ચીજનો પ્રેમ નહીં પાલવે; ને જો જગતની કોઈ ચીજમાં સુખ
માનીને તેની પ્રીતિ કરીશ તો તારો આતમરામ તને અનુભવમાં નહીં આવે. લક્ષ્મી અને
રાગાદિભાવોની જાત જ તારાથી જુદી છે, તેમાંથી તને સુખ કદી મળવાનું નથી. આ
લોકના કુટુંબી સંસારી જીવો તો પોતાના સ્વાર્થના સગાં છે, તેનો નેહ તોડીને તું તારા
અધ્યાત્મિક પરમાર્થરસમાં મસ્ત થા ને તારા આત્મહિતને સાધ. તારે સાધક થવું હોય તો
આત્માનું બળ પ્રગટ કરીને જગતનો સંબંધ છોડ ને તારા ચૈતન્યસ્વરૂપમાં ઉપયોગને જોડ.
આ રીતે શ્રીગુરુનો પરમ વૈરાગ્યરસભીનો ઉપદેશ ઝીલીને, મુમુક્ષુ ભવ્યજીવ
આત્મસન્મુખ થઈ અપૂર્વ સમ્યક્ત્વકળા પ્રગટ કરીને સાધક થાય છે.
ધન્ય શ્રીગુરુ! ધન્ય સાધક!
અહા, હું મુમુક્ષુ થઈને મારા ચૈતન્યના પરમાર્થરસમાં મસ્ત થયો, ત્યાં જગતના
લોકો સાથે મારે કાંઈ જ નાતો નથી. મારી રુચિ મારા આત્મામાં વળી ગઈ છે ત્યાં હવે
કોઈ પરચીજનો પ્રેમ મને રહ્યો નથી. જગતથી અલિપ્ત મારા ચૈતન્યરસમાં જ મારો
આત્મા સાવધાન છે. જગતના લોકને રીઝવવાની, કે જગતના લોકથી રીઝવાની બુદ્ધિ
છોડીને, નિર્ભયપણે મારા ચૈતન્યસ્વરૂપને હું ઉગ્ર પ્રયત્નથી સાધું છું. મારો આત્મા પોતે
રીઝીને આનંદરૂપ કેમ થાય? તે જ મારું પ્રયોજન છે.