: ૨૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
કેમ બગાડી? હવે આ પુત્રનું પાલનપોષણ કોણ કરશે? એમ કહીને તેમના પગ પાસે જ
બાળકને મૂકીને તે તો ચાલી ગઈ. એ બાળકનું નામ વજ્રકુમાર. તેના હાથમાં વજ્રચિહ્ન
હતું.
અરે! વન–જંગલમાં બાળકની રક્ષા કોણ કરશે!
બરાબર તે જ વખતે દિવાકર નામનો વિદ્યાધર રાજા તીર્થયાત્રા કરવા નીકળેલો,
તે મુનિને વંદન કરવા આવ્યો; અને અત્યંત તેજસ્વી એવા તે વજ્રકુમાર–બાળકને
દેખીને તેડી લીધો. આવા પુત્રરત્નની પ્રાપ્તિ થવાથી રાણી પણ ખુશી થઈ. તેઓ તેને
પોતાની સાથે જ લઈ ગયા, અને પુત્રની જેમ પાલન કરવા લાગ્યા. ભાગ્યવાન જીવોને
કોઈને કોઈ યોગ મળી જાય છે.
વજ્રકુમાર યુવાન થતાં પવનવેગા નામની વિદ્યાધરી સાથે લગ્ન કર્યા ને તેણે
અનેક રાજાઓને જીતી લીધા.
થોડા વખતે દિવાકર રાજાની સ્ત્રીને એક પુત્ર થયો. પોતાના આ પુત્રને જ
રાજ્ય મળે એવી ઈચ્છાથી તે સ્ત્રીને વજ્રકુમાર પ્રત્યે દ્વેષ થવા લાગ્યો. એકવાર તે એમ
બોલી ગઈ કે અરે! આ કોનો પુત્ર છે! ને અહીં આવીને હેરાન કરે છે!
એ સાંભળતાં જ વજ્ર્રકુમારનું મન ઉદાસ થઈ ગયું. તેને ખાતરી થઈ કે મારા
સાચા માતા–પિતા તો બીજા છે. વિદ્યાધર પાસેથી તેણે બધી હકીકત જાણી લીધી. તેને
ખબર પડી કે મારા પિતા તો દીક્ષા લઈને મુનિ થયા છે. તરત જ વિમાનમાં બેસીને તે
મુનિરાજ પાસે ગયો.
ધ્યાનમાં બિરાજમાન સોમદ્રત્ત મુનિરાજને દેખીને તે ઘણો પ્રસન્ન થયો, તેનું
ચિત્ત શાંત થયું, વિચિત્ર સંસાર પ્રત્યે તેને વૈરાગ્ય જાગ્યો, અને જાણે કે પિતા પાસેથી
ધર્મનો વારસો માંગતો હોય! તેમ પરમ ભક્તિથી વંદન કરીને કહ્યું: હે પૂજ્ય દેવ! મને
પણ સાધુદીક્ષા આપો! આ સંસારમાં આત્મા સિવાય બીજે ક્યાંય મને ચેન પડતું નથી.
દિવાકરદેવે તેને દીક્ષા ન લેવા ઘણું સમજાવ્યો, પણ તે વજ્રકુમારે તો દીક્ષા જ
લીધી; સાધુ થઈને આત્માનું જ્ઞાન–ધ્યાન કરવા લાગ્યા, ને દેશોદેશ વિચરીને
ધર્મપ્રભાવના કરવા લાગ્યા. એકવાર તેમના પ્રતાપે મથુરાનગરીમાં ધર્મપ્રભાવનાનો
મોટો પ્રસંગ બન્યો. શું બન્યું? તે જોવા આપણી કથાને મથુરા નગરીમાં લઈ જઈએ.