: ૩૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
આવા વસ્તુસ્વભાવમાં દ્રષ્ટિ પડતાં તેમાં કોઈ પરભાવો નથી. આવા
પરમતત્ત્વને એકકોર મુકીને બીજું ગમે તેટલું જીવ કરે તેમાં કાંઈ હાથ આવે તેમ નથી.
અહા! ખરેખર આવું સ્વરૂપ છે–એમ સ્વીકારીને વારંવાર સ્વની ભાવના કરવા જેવી છે;
ભાવના એટલે એકાગ્રતા.
ચૈતન્યવિલાસથી ભરપૂર મારા સ્વભાવની સન્મુખ થઈને તેને ભાવતો હું, ચાર
ગતિના ભાવોને ભાવતો નથી, તેનાથી હું વિમુખ છું– જુદો જુદો છું એટલે તે મનુષ્યાદિ
કોઈ ગતિનો હું કર્તા નથી, મારામાં તે ગતિ નથી, ને તે ગતિમાં હું નથી. હું મારા
ચૈતન્ય–વિલાસમાં વળેલો છું. – આવો પોતાનો અનુભવ અને વારંવાર તેનો અભ્યાસ
તે મોક્ષનો માર્ગ છે.
મારામાં તો હું ચૈતન્યથી ભિન્ન એવા ચારગતિના ભાવોને કરતો નથી ને
બીજામાં પણ તેવા ભાવોને હું અનુમોદતો નથી–પ્રશંસતો નથી. અરે, પોતાની
ચૈતન્યવસ્તુ શું છે તેની ખબર વિના જીવો ચોરાશીના અવતારમાં કષાયની ઘાણીમાં
પીલાઈ રહ્યા છે. એ દુઃખની પીડાનું શું કહેવું? પણ ધર્મી તે દુઃખને ઓળંગી ગયા છે. તે
જાણે છે કે મારું તત્ત્વ ચારેગતિના ભાવોને ઓળંગી ગયું છે, મારા ચૈતન્યના
નિજભાવોથી જ હું ભરેલો છું. ગતિવગેરેના જેટલા ઉદયભાવો છે તે કોઈ મારા
સ્વભાવને અવલંબનારા નથી, એટલે તે હું નથી, તેને હું કરતો નથી; મારી શુદ્ધચૈતન્ય
સત્તાનો જ મને સ્વીકાર છે; મારી ચૈતન્યસત્તામાં બીજા કોઈ ગતિવગેરે પરભાવોનો
સ્વીકાર નથી.
જુઓ, આ ભેદજ્ઞાન! આવા ભેદજ્ઞાનપૂર્વક ચારિત્ર થાય છે. તેમાં પોતાના
જ્ઞાયક ભાવનું જ ભજન છે. મારા શુદ્ધતત્ત્વના સેવનથી જ મને લાભ થયો છે. બાકી
રાગાદિ પરભાવો હો–તેનું સેવન મને નથી. વિકલ્પો તે મારી જાત નથી. મારી જાત
સહજ ચૈતન્યભાવથી વિલસતી છે; મારા પરિણામ આવા મારા સ્વતત્ત્વમાં ઢળીને મારું
જ સેવન કરે છે.–આમ સ્વસન્મુખપણે ચૈતન્યસત્તાના સ્વીકારથી મને જે ધર્મદશા થઈ,
તેમાં ચારગતિ વગેરેની સહાયતા નથી. મનુષ્યપર્યાય હતી તો મને સમ્યગ્દર્શન થયું–એમ
નથી, મારી ચૈતન્યસત્તા શુદ્ધ હતી–તો તેના સ્વીકારથી મને સમ્યગ્દર્શન થયું. આવી શુદ્ધ–
સત્તાના સ્વીકારથી જ જન્મમરણના આરા આવે છે. આ તો અંતરની વાત છે....
અંતરનો માર્ગ છે. સંતોએ માર્ગ સુગમ કરી દીધો છે. આત્માને પ્રસિદ્ધ કરવાની કળા
સમજાવી છે. ‘અહો ઉપકાર જિનવરનો! અહો! ઉપકાર ગુરુવરનો! ’