Atmadharma magazine - Ank 336
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 44

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૩૫ :
હું ત્રિકાળી આનંદસ્વરૂપ આત્મા છું; તેમાં અવતાર ને ભવ કેવા? સચ્ચિદાનંદ
પ્રભુ આનંદનો નાથ, તેનો જેને ભેટો થયો તેને ભવના અંત આવી ગયા.
શુદ્ધસ્વભાવમાં તો ભવ હતા જ નહીં, તેનો ભેટો થતાં, એટલે તેની સન્મુખતા થતાં,
પર્યાયમાં પણ ભવનો ભાવ નથી. આત્મા પોતે આવી સાધકદશારૂપે થયો ત્યાં પોતાને
પોતામાં જ કૃત–કૃત્યતા અનુભવાય છે, અપૂર્વ વેદનથી મોક્ષની નિસંદેહતા થાય છે.
વાહ! આ સાધકદશા પણ પરમ અદ્ભુત છે! પૂર્ણ સાધ્યદશાની તો શી વાત!
ચૈતન્યભાવપણે જ્યાં પોતામાં પોતાનો અનુભવ થયો ત્યાં ધર્માત્મા જાણે છે કે
૧૪ માર્ગણાના ભેદોમાં હું નથી; ભેદના વિકલ્પોમાં હું નથી. ભેદને ધર્મી નથી ભાવતો,
ધર્મી અભેદને ભાવે છે. અભેદની ભાવનાથી તે આનંદનો સ્વાદ લ્યે છે. અરે જીવો!
પૂર્ણતાનો નાથ પરમઆત્મા અંદર જ બિરાજે છે; તે તું પોતે જ છો. તારામાંથી
પરમાત્માપણું પ્રગટ થાય છે. પરિણામને અંતરમાં જોડીને આવા પરમતત્ત્વની ભાવના
ભાવો. અંદર આવા સ્વભાવને લીધો (એટલે કે અનુભવ્યો) ત્યાં પરભાવો સર્વે છૂટી
જ ગયેલા છે. ક્ષયોપશમજ્ઞાન હોવા છતાં, આવા અનુભવમાં સાધકને આત્માના
આનંદની લહેર ઊઠી છે... આખા દરિયા ડોલ્યા છે... આવી અદ્ભુત અલૌકિક વસ્તુ છે.
વીતરાગનો આવો માર્ગ છે. તેમાં વીતરાગતા થાય ત્યારે ધર્મ થાય. તે વીતરાગતા
શુદ્ધાત્માના અનુભવથી જ થાય છે. અરે, એકવાર અંતરમાં નજર કરીને તારા પૂર્ણાનંદી
ભગવાનનું ભજન કર કે તરત તારા ભવના આરા આવી જશે.
જેમ ચારેકોર સિંહના ટોળા વચ્ચે ઘેરાયેલા માણસ તેનાથી છૂટવાનો ઉપાય
શોધે.... ને ઝાડ ઉપર ચડી જાય... તેમ ચારેકોર ચારગતિનાં દુઃખો અને કષાયોરૂપી
સિંહથી ઘેરાયેલો આત્મા, તેનાથી છૂટવા કોનું આલંબન લ્યે? બહારમાં તો કોઈનું
આલંબન નથી, અંદર કષાયોથી અલિપ્ત પોતાનો સહજ ચૈતન્યભાવ તેનું અવલંબન
લઈને તે ચૈતન્ય–કલ્પવૃક્ષમાં આરૂઢ થા, તો કષાયોથી તારી રક્ષા થશે, ને નિર્ભયપણે
તને તારી શાંતિનું વેદન થશે.
અરે, આવા દુઃખો અને કષાયો વચ્ચે ઘેરાયેલો તું, અને તને બહારમાં શેનાં
હરખ આવે છે? હરખ કરવા યોગ્ય સ્થાન તો પોતાનો ભગવાન આત્મા છે; તેમાં હરખ
કરીને રહેવા જેવું છે, તેમાં તને પરમ શાંતિ થશે. શાંતરસનું સરોવર તો તું છો. તારા
ચૈતન્યસરોવરના અમૃતનું પાન કર!