Atmadharma magazine - Ank 336
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 44

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૫ :
[અંતર્મુખ થઈને શુદ્ધાત્મજ્ઞાનની સમ્યક્ભાવના કર્તવ્ય છે]
* નિયમસાર ગાથા : ૧૧૬ ભાદરવા વદ ૬ *
ધર્મ એટલે આત્માનો કાયમી જ્ઞાનગુણસ્વભાવ; તે સ્વભાવની રાગરહિત
નિર્વિકાર પરિણતિ તે મોક્ષના સાધનરૂપ ધર્મ છે. આત્માએ પોતાના જ્ઞાનધર્મને સદા
પોતામાં ધારી રાખ્યો છે; આવા આત્માની સમ્યક્ભાવના વડે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ
ધર્મ પ્રગટ થાય છે.
સર્વજ્ઞસ્વભાવ તે આત્માનો ઉત્કૃષ્ટ ધર્મ છે; અનંતધર્મો ત્રિકાળ છે, તેમાં
સર્વજ્ઞસ્વભાવરૂપ ધર્મ મુખ્ય છે. તે સર્વજ્ઞસ્વભાવની સન્મુખ થઈને પ્રતીત કરતાં જ
મોક્ષમાર્ગ શરૂ થાય છે.
જ્ઞાનધર્મ મહાન છે–ઉત્કૃષ્ટ છે; જ્ઞાનમાં રાગ નથી; જ્ઞાનની અનુભૂતિ રાગથી
પાર છે. શુદ્ધજ્ઞાનની અનુભૂતિમાં આત્મા આવી જાય છે. જ્ઞાનને આત્મા જ કહ્યો છે.
આવા જ્ઞાનસ્વભાવની સમ્યક્ભાવનામાં ચિત્તની અત્યંત શુદ્ધિ હોવાથી તેને પ્રાયશ્ચિત
કહેવાય છે; તેમાં જ્ઞાનની અતિશયતા છે ને રાગાદિ દોષનો પરિહાર છે.
શરીર–મન–વાણીને એક્કોર રાખ; એ તો જુદાં છે જ; અંદર રાગાદિ
પરભાવો છે તેને પણ જ્ઞાનથી જુદા જ જાણ; જ્ઞાનધર્મમાં રાગ નથી. આત્મા
જ્ઞાનધર્મ જેટલો છે. તેનો ઉત્કૃષ્ટ જ્ઞાનસ્વભાવ હોવાથી તે પોતે પ્રાયશ્ચિત છે. અહો,
આવો જ્ઞાનધર્મ આત્માનો પોતાનો છે, તેના વડે આત્માનું સ્વરૂપ ઓળખાય છે.
ધર્મને ધારણ કરનાર આત્મા, તેને જાણ્યા વગર ધર્મ થતો નથી. જાણનારને
જાણ્યા વગર સાચું જ્ઞાન ક્યાંથી થાય? જે જાણનાર છે, જે પોતે જ્ઞાનસ્વરૂપ છે,
એવી સ્વસત્તાને જાણતાં અને તેમાં લીન થતાં મુક્તિના માર્ગરૂપ શુદ્ધજ્ઞાન પ્ર્રગટે
છે, તે શુદ્ધજ્ઞાનને નિશ્ચિયપ્રાયશ્ચિત્ત કહેવાય છે; તેમાં મિથ્યાત્વાદિ સર્વે દોષોનો
અભાવ છે.