Atmadharma magazine - Ank 338
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 45

background image
માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૧૯:
અહા, જેનું ફળ અનંતઆનંદ, અને તે પણ સાદિઅનંત ટકનાર; તેવા મહા
આનંદનું કારણ તો કેવું હોય? અંતરના ચૈતન્યમાં ઊંડે ઊતરીને તેમાંથી જે નિર્વિકલ્પ
સાધકદશા ખીલી, તે અલૌકિક આનંદવાળી છે; તેનું જ્ઞાન મહાન ઉદાર છે, તે
કોઈ રાગથી–વિકલ્પથી દબાતું નથી, છૂટું ને છૂટું રહે છે. આવા જ્ઞાનરૂપ સાધકદશા
પ્રગટી છે તે જયવંત છે...આવી સાધકદશા વડે આનંદથી અમે મોક્ષને સાધી રહ્યા છીએ.
જેણે અંતરમાં ઊતરીને પોતાના ચૈતન્યસ્વભાવને પર્યાયમાં ખોલ્યો છે, ને
સમ્યક્ત્વાદિ પંચાચારરૂપ વીતરાગભાવથી જેઓ શોભે છે, એવા ગુરુઓને અવંચક–
નિર્દોષ ઉપદેશ ચૈતન્યની સન્મુખતા કરાવીને મુક્તિસંપદાનું કારણ થાય છે.
નિર્દોષ ગુરુ અને નિર્દોષ ઉપદેશ તેને કહેવાય કે જે રાગથી ભિન્નતા કરાવીને,
મહા આનંદધામ એવી ચૈતન્યસંપદામાં સન્મુખતા કરાવે. રાગમાં ઊભો રાખીને તેનાથી
કલ્યાણ મનાવે તેઓ તો જીવને છેતરનારા છે, તેઓ અવંચક નથી. ભાઈ, રાગથી લાભ
માનીશ તો તું છેતરાઈ જઈશ, તારી ચૈતન્યસંપદા લૂંટાઈ જશે. બાપુ! રાગના સ્વાદથી
તારા ચૈતન્યનો સ્વાદ તદ્ન જુદો છે; તે ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેતાં લેતાં
તને મુક્તિ સધાશે. શ્રી ગુરુઓનો ઉપદેશ તો એવો છે કે જે ઝીલતા આત્મામાંથી
આનંદરસનુ ઝરણું ઝરે છે. આત્માની પૂર્ણ ચૈતન્યસંપદા બતાવીને આત્માને અનંત સિદ્ધ
ભગવંતોની પંક્તિમાં બેસાડી દ્ય–એવો વીતરાગી ગુરુઓનો ઉપદેશ છે.
અહા, ગુરુના ઉપદેશથી આનંદધામ આત્માને જેણે જાણ્યો છે, તેણે જિનેન્દ્ર દેવના
માર્ગને જાણ્યો છે. પરમ શાંતિનો પૂર્ણસમુદ્ર એવી જે નિર્વાણદશા, તેનું કારણ તો આવો
માર્ગ છે, બીજા કોઈ માર્ગથી આત્માને શાંતિનું વેદન થતું નથી.
પ્રભુ! તારો આત્મા તો મોટો શાંત–શીતળ વીતરાગરસનો દરિયો છે, તેમાં ડુબકી
મારતાં જે શાંતિની અનુભૂતિ થઈ તે જ નિર્વાણનો માર્ગ છે, તે જ ભગવાન તીર્થંકરોનો
માર્ગ છે, તે જ આનંદનો માર્ગ છે; તેમાં જગતના કોલાહલનો બધોય ઉકળાટ ઠરી ગયો
છે. આવી શાંત અતીન્દ્રિય દશાનો અત્યંત મહિમા લાવીને હું ફરી ફરીને તેને નમું છું,
ફરીફરીને અંતરમાં એકાગ્ર થઈને પરિણમું છું.
અહા, આવો મોટો આત્મા, તેના આશ્રયે જે જ્ઞાનદશા પ્રગટી તે પણ મોટી છે;
બાકી પરના આશ્રયમાં તો દીનતા છે. વાહ! પરમાત્મા થવાની તૈયારીવાળા યોગીનું આ
કથન તો જુઓ! કુંદકુંદાચાર્ય–પરમેષ્ઠી તો પરમાત્મા થવાની તૈયારીવાળા છે, જેણે
પરમાત્માનો સાક્ષાત્ ભેટો (બહારમાં તેમજ અંતરમાં પણ) કર્યો છે, તેમની આ
વીતરાગીવાણી પરમાત્માનો ભેટો કરાવે છે.