માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૨૩:
રત્નદીપકનો પ્રકાશ નિષ્કંપ હોય છે, તે વાવાઝોડાથી પણ ડગતો નથી તેમ આનંદમય
જ્ઞાનતત્ત્વમાં લીન થયેલા ધર્માત્માની સહજ ચેતના નિષ્કંપપણે પ્રકાશે છે, કોઈ અનુકુળ
પ્રતિકૂળ સંયોગો કે કોઈ પરભાવોનાં વાવાઝોડા વચ્ચે પણ તે ચેતના ડગતી નથી.
ચૈતન્યતત્ત્વ પોતે જે ચેતનારૂપે પરિણમ્યું છે તે પરિણતિ સદાય વર્ત્યા જ કરે છે. તે
પરિણતિ પોતાના ચૈતન્યસ્વભાવમાં જ લીન છે, ને બીજા બધાયથી પરમ નિસ્પૃહ છે,
છૂટીને છૂટી જ રહે છે. પરની અપેક્ષા વગર, સ્વયં આત્મા પોતે શુદ્ધોપયોગરૂપ થયો છે,
તે જ ધર્મ છે; તે જ ધર્મીજીવનું આત્મવશ એવું આવશ્યક કાર્ય છે; તેમાં કોઈની
પરવશતા નથી. આવું સ્વવશપણું તે અતીન્દ્રિય આનંદથી સહિત છે; આત્માનું
કોઈ અદ્ભુત નિર્વિકલ્પ સુખ તેમાં અનુભવાય છે.
સુખને માટે કરવા જેવું એક જ કામ
આત્મા સદાય પોતાના ચૈતન્યરસથી પરિપૂર્ણ મહાન
આનંદમંદિર છે; તેમાં અંતર્મુખ થવારૂપ આવશ્યક–કાર્ય કરનાર
જીવ કોઈ વચનાતીત સહજસુખને અનુભવે છે. આ એક જ કાર્ય
સંસારના ઘોર દુઃખોનું નાશક છે, ને પરમ મુક્તિસુખનું કારણ છે.
માટે હે ભવ્ય જીવો! હે સુખને ચાહનારા જીવો! અંતરમાં
શુદ્ધોપયોગને જોડીને નિજાત્મતત્ત્વના અનુભવરૂપ આવું ઉત્તમ
કાર્ય કરો. આ એક જ જરૂર કરવા જેવું કાર્ય છે. બીજા બધા
રાગનાં કાર્યો તો સંસારદુઃખ દેનાર છે, તેમાં આત્મશાંતિ નથી.
આત્મશાંતિ અનુભવવી હોય તો તેને માટે કરવા જેવું એકમાત્ર
આ જ કાર્ય છે કે અંતરમાં સહજ ચૈતન્યસુખથી ભરપૂર નિજ
પરમાત્મતત્ત્વરૂપે પોતે પોતાને ધ્યાવવો. એવા ધ્યાનવડે તરત જ
પોતામાં વિકલ્પાતીત અધ્યાત્મસુખ પ્રગટે છે.