Atmadharma magazine - Ank 338
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 45

background image
માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૨૫:
જેવું કાર્ય તારા આત્માના આશ્રયે શુદ્ધતા કરવી તે જ છે, એટલે શુદ્ધરત્નત્રય તે
જ ખરું કાર્ય છે. શુદ્ધાત્માના આશ્રય વગરનાં, પરાશ્રિતભાવો તે તો બધા સંસારનું
કારણ છે તેથી તે અકાર્ય છે. શુદ્ધઆત્માની અનુભૂતિ વડે જે શુદ્ધતા પ્રગટી તેમાં
પ્રતિક્રમણ–પ્રત્યાખ્યાન–ભક્તિ વગેરે બધાય આવશ્યક કાર્ય સમાઈ જાય છે.
અહો, ચૈતન્યઅનુભૂતિમાત્ર આત્મા, તે પરમતત્ત્વને અંતરમાં દેખતાં
કોઈ અદ્ભુત પરમ આનંદ થાય છે...આત્મા પોતાના પરમ શાંતરસમાં મગ્ન થઈ જાય
છે.–આ જ મોક્ષાર્થીજીવનું જરૂરી કામ છે. ધર્મીને આનાથી બહારનાં બીજાં
કોઈ રાગાદિભાવો પોતાના સ્વકાર્યપણે ભાસતા નથી. અંતરાત્મામાં બર્હિભાવોનું કામ
કેવું? અંતરાત્મા તો અંતરમાં વળેલો છે, તેમાં તો વીતરાગી શુદ્ધકાર્ય જ થાય છે...ને તે
જ તેનું જરૂરી કામ છે.
અંતરમાં પરમ ચૈતન્યભાવરૂપ પોતાની ચીજ–તે કોઈ અચિંત્ય મહિમાવંત છે;
તેમાં ઉપયોગને જોડવો ને રાગમાંથી ઉપયોગને છોડવો, એ રીતે રાગથી વિભક્ત થઈને
સ્વભાવમાં એકત્વ કરવું તે જ બધાય અંતરાત્માઓનું ધર્મકાર્ય છે; એ જ મોક્ષને માટે
આવશ્યક છે. રાગાદિભાવો હોય, પણ તે કાંઈ મોક્ષને માટે જરૂરી નથી. જરૂરી તો એટલું
જ છે કે જેટલું અંતરની સ્વાનુભૂતિમાં આવે. શુદ્ધાત્માની સ્વાનુભૂતિથી જે બહાર રહી
જાય તે આત્માનું ખરૂં તત્ત્વ નથી. આત્માનું સાચું તત્ત્વ એટલું જ છે કે જેટલું
સ્વાનુભૂતિમાં સમાય છે. હે જીવ! મોક્ષને માટે તું આવી અનુભૂતિ વડે શુદ્ધરત્નત્રયરૂપ
કાર્ય અવશ્ય કર. તે તારું સ્વાધીન અને જરૂરી કાર્ય છે.
પામર નહીં – પણ – પરમાત્મા
જે પોતાને પામર, રાગ–ક્રોધાદિ દોષરૂપ જ માનીને
પ્રભુના (મોક્ષ) લેવા માંગે છે તેને તે મળશે નહીં. પોતાને પામર
જ માનીને પ્રભુતા ક્યાંથી લાવશે?
પામરતા વગરનો, એટલે ક્રોધ–રાગાદિ દોષોથી જુદો,
અનંતગુણના પરમસ્વભાવથી ભરેલો પરમાત્મા હું છું–એમ
પોતાને અનુભવનાર જીવ દોષને દૂર કરીને પરમાત્મા થાય
છે. ‘હું જ સચ્ચિદાનંદ પરમાત્મા છું’ એમ સ્વભાવના
પુરુષાર્થનો ટંકાર કરતાં સમ્યગ્દર્શનાદિ થાય છે.