માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૩૫:
કેવળીઓની સાક્ષી, શાસ્ત્ર તરીકે અનાદિઅનંતશ્રુતની સાક્ષી, એવા ઉત્કૃષ્ટ દેવ–ગુરુ–શાસ્ત્રની
સાક્ષીપૂર્વક, અને અંતરમાં પોતાના આત્માના સ્વાનુભવપૂર્વક આચાર્યભગવાન આ
સમયસારમાં શુદ્ધઆત્માનું એકત્વસ્વરૂપ દેખાડે છે; હે ભવ્ય! તું સ્વાનુભવથી તે પ્રમાણ કરજે.
જ્યારે જ્યારે જ્ઞાની સંતો દ્વારા આ સમયસાર કહેવાશે ત્યારે ત્યારે અંદર તેનું
ભાવશ્રુતજ્ઞાન પરિણમતું હશે. અંદરના ભાવશ્રુતને અનુસરતી આ વાણી છે. જગતમાં
ભાવશ્રુતની ધારા તો ત્રણેકાળે અખંડપણે સદાય વર્તે જ છે; ને દ્રવ્યશ્રુત પણ તે ભાવશ્રુતને
અનુસરનારું જ છે. એટલે જે જે સ્થાને જે–જે શબ્દો રચાય છે તે જ વખતે અંતરમાં તેવું જ
ભાવશ્રુત પરિણમી રહ્યું છે. ‘આત્મા જ્ઞાયકભાવ આનંદસ્વરૂપ છે’ એવું દ્રવ્યશ્રુત (વચન
અને વિકલ્પ) પરિણમે છે તે જ વખતે ભાવશ્રુતની ધારામાં તેવા આત્માનું ઘોલન વર્તે છે,
અંદર જેવું સ્વસંવેદન વર્તે છે તેવું જ વાણીમાં આવે છે. આવી અપૂર્વ સંધિસહિતની આ
અલૌકિક રચના છે. ભાવસ્તવ અને દ્રવ્યસ્તવથી આત્મામાં સિદ્ધભગવાનને સ્થાપીને, એટલે
કે સાધ્યરૂપ શુદ્ધઆત્માને લક્ષમાં લઈને, આ શ્રુત–કેવળીની વાણીનું શ્રવણ કરતાં તારા
મોહનો નાશ થશે ને અપૂર્વ આનંદ–સહિત તને શુદ્ધાત્માનો અનુભવ થશે–એવા કોલકરાર છે.
• એ પાંડવો બળ્યા નથી.ઠર્યા છે •
પાંચ પાંડવ મુનિભગવંતો જ્યારે શત્રુંજય પર આત્મધ્યાનમાં
એકાગ્ર છે, ને દુર્યોધનનો ભાણેજ ધગધગતા લોઢાના દાગીના પહેરાવીને
ઉપસર્ગ કરે છે–જેનાથી તેમનો દેહ બળી જાય છે; પણ તે વખતે–
એ પાંડવો બળ્યા નથી, તેઓ તો ચૈતન્યની પરમ શાંતિમાં ઠર્યા
છે...જે શાંતિના વેદનમાં કષાય–અગ્નિનો પ્રવેશ જ નથી...ત્યાં બળતરા
કેવી? ત્યાં તો ચૈતન્યની પરમ શીતળ મહાન શાંતિનો સાગર ઊછળે છે,
તેમાં લીન થઈને તેઓ ઠર્યા છે.
વાહ રે વાહ! શાંતિનું સરોવર ચૈતન્યધામ! જેની શાંતિના
વેદનમાં જગતના કોઈ દુઃખનો પ્રવેશ નથી.
આવી શાંતિનો પિંડ હું છું–એમ જે ધર્મી વેદે છે તે જગતમાં સુખી છે.
આવી શાંતિનો માર્ગ એ તો બહાદૂરોનો માર્ગ છે; આ કાયરનો
માર્ગ નથી, આ તો વીરનો માર્ગ છે.