અભેદ્ય બખ્તર જેવા આ વીતરાગી ઉપદેશને હૃદયમાં ધારણ કરનાર પુરુષ કર્મશત્રુને
જીતી લે છે. આ રીતે વીતરાગવચનરૂપી કવચ સહિત થયેલા ક્ષપકમુનિ પરિષહરૂપી
શત્રુથી નહીં ભેદાતા થકા આત્મધ્યાન કરવામાં સમર્થ થાય છે.
સહન કરે છે, અને શરીરમાં–ક્ષેત્રમાં–સંકલસંઘમાં–વૈયાવૃત્ય કરનારાઓમાં તેમજ સમસ્ત
ક્ષેત્ર–કાળાદિકમાં રાગ–દ્વેષરહિત વર્તતા થકા, ક્યાંય પણ પરિણામને બાંધ્યા વગર પરમ
સમતાભાવને પ્રાપ્ત કરે છે. સંસારમાં જેટલી વસ્તુ ગ્રહણમાં આવે છે તે બધી મારાથી
અન્ય છે, મારું કાંઈપણ નથી એમ સર્વત્ર નિર્મમત્વ ભાવવડે તે જીવ વીતરાગી
સમભાવને પામે છે. કવચવડે ધીરતા ધારણ કરનારા તે સાધુ કોઈ સંયોગમાં રતિ–
અરતિ કરતા નથી, ઈષ્ટ વસ્તુના સંયોગમાં ઉત્સુકતા કે હર્ષ નથી કરતા, ને અનિષ્ટ
વસ્તુના સંયોગમાં દીનતા કે વિષાદ નથી કરતા. મિત્ર–સ્વજન–શિષ્ય–સાધર્મી બધા પ્રત્યે
રાગ–દ્વેષ છોડે છે. વીતરાગી કવચ વડે જેનું મન આરાધનામાં દ્રઢ થયું છે એવા તે સાધુ
સ્વર્ગાદિના ભોગની પણ વાંછા કરતા નથી. રત્નત્રય માર્ગની વિરાધના વગર દ્રઢપણે
આરાધનામાં તત્પર રહે છે; જીવન–મરણ કે માન–અપમાનમાં તે સમભાવી રહે છે. આ
જગતમાં જેટલા ઈન્દ્રિયવિષયો છે તે તો બધાય પુદ્ગલપર્યાયો છે, અને જ્ઞાનાનંદ સ્વરૂપ
એવા મારાથી તો તે ભિન્ન છે, તોપછી હું કોનામાં રાગ–દ્વેષ કરું? એ રીતે સર્વત્ર રાગ–
દ્વેષરહિત થઈને તે સાધુ ઉત્તમાર્થ એવી આરાધનામાં વર્તે છે. મરણપર્યંત ગમે તેવી
અસાતા થાય તોપણ નિર્મોહપણે તે સમભાવમાં વર્તે છે. એ રીતે આચાર્ય સમક્ષ જેમણે
ઉત્તમ પ્રકારે આત્માને ભાવ્યો છે એવા તે ક્ષપકમુનિ ખેદરહિત શૂરવીરપણે પરમ
રત્નત્રયમાં આરૂઢ થઈને, ચૈતન્યમાં જ ચિત્તની એકાગ્રતાપૂર્વક સમાધિમરણ કરે છે.