Atmadharma magazine - Ank 340
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 49

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૧ :
જ્ઞાન અને કષાયની ભિન્નતાની સિદ્ધિ
• કષાય જીવનું લક્ષણ નથી તેથી અકષાયપણું બની શકે છે •
જ્ઞાન આત્માનો સહજ સ્વભાવ છે, એટલે કર્મના નિમિત્ત વિના સ્વયમેવ
આત્મા જ્ઞાનપણે વર્તે છે; પરંતુ જ્ઞાનની જેમ કષાય તે કાંઈ આત્માનો સહજ સ્વભાવ
નથી, તે તો વિભાવ છે, એટલે કર્મના નિમિત્ત વિના આત્મા કદી કષાયરૂપ થતો નથી.
આ રીતે જ્ઞાન અને કષાયનું ભિન્નપણું જાણવું.
ષટ્ખંડાગમ પુસ્તક પાંચ પૃ. ૨૨૩ માં કષાય અને જ્ઞાનની ભિન્નતા બાબત
સરસ વાત સમજાવી છે.
તેમાં જ્યારે ‘ભાવઅનુગમ’ માં જીવના અકષાયભાવનું પ્રતિપાદન કર્યું ત્યારે
શિષ્ય પૂછે છે કે–પ્રભો! કષાય તો જીવનો ગુણ છે તેથી તેનો વિનાશ કેમ થાય?–જેમ
જ્ઞાનદર્શનાદિ જીવગુણોનો વિનાશ નથી થતો; જો જીવના ગુણોનો વિનાશ થાય તો
જ્ઞાનાદિની જેમ જીવનો પણ વિનાશ થઈ જાય! માટે જેમ જ્ઞાનાદિગુણોનો વિનાશ નથી
થતો તેમ કષાય પણ જીવગુણ હોવાથી તેનો વિનાશ ન થવો જોઈએ.–એટલે
કષાયભાવનાં સ્થાનો બની શકતાં નથી!
તેના ઉત્તરમાં આચાર્યમહારાજ કહે છે કે–જ્ઞાનદર્શનનો વિનાશ થતાં જીવનો
વિનાશ થઈ જાય––એ તો બરાબર છે, કેમકે તે તો જીવનાં લક્ષણ છે; પરંતુ કષાય તો
કાંઈ જીવનું લક્ષણ નથી; કર્મજનિત કષાયને જીવનું લક્ષણ માનવામાં વિરોધ આવે છે.
અને, કષાયોનું કર્મજનિતપણું અસિદ્ધ નથી કેમકે કષાયોની વૃદ્ધિ થતાં જીવના
લક્ષણભૂત જ્ઞાનની હાનિ થાય છે–તે બીજી રીતે બની શકે નહીં; માટે કષાય કર્મજનિત
છે (જ્ઞાનજનિત નથી) ને તે જીવનો ગુણ નથી, તેથી તેનો અભાવ બની શકે છે.
કષાય તો જ્ઞાનનો વિરોધી છે; એકગુણ બીજા ગુણનો વિરોધી (ઘાતક) હોઈ શકે
નહિ, કેમકે કોઈ ગુણમાં એમ જોવામાં આવતું નથી. માટે જ્ઞાનાદિ જેમ જીવનાં
લક્ષણભૂત ગુણ છે તેમ કષાયો તે જીવનાં ગુણ નથી. માટે કષાયરહિત એવા
અકષાયભાવરૂપ સ્થાનો બની શકે છે.