: ૨૨ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
આ ન્યાયે જ્ઞાન અને કષાયોની ભિન્નતા ઓળખતાં જીવને ભેદજ્ઞાન થાય છે ને
અનુક્રમે કષાયોનો અભાવ થઈને તેને અકષાયભાવ થાય છે.
જ્ઞાન અને કષાયની ભિન્નતા
• ‘જીવ’ માંથી કષાયો બાદ કરતાં કાંઈ શૂન્ય રહેતું નથી પણ કષાય વગરનો
શુદ્ધજ્ઞાનસ્વરૂપ આખો જીવ રહે છે.
• ‘જીવ’ માંથી જ્ઞાનલક્ષણ બાદ કરતાં તો જીવ શૂન્ય જ થઈ જાય, જ્ઞાન વગરનો
જીવ રહી શકે જ નહિ. માટે જ્ઞાનસ્વરૂપ જીવ છે, તે કષાયોથી જુદો છે.
• ‘જીવ’ માંથી શરીર, કર્મ અને રાગદ્વેષાદિ કષાયો બાદ થઈ શકે, પણ જીવમાંથી
જ્ઞાનાદિ બાદ થઈ શકે નહીં. તેથી કહ્યું છે કે ‘અબાધ્ય અનુભવ જે લહે તે છે
જીવસ્વરૂપ’
• શરીર કર્મ અને કષાયો–એ બધુંય બાદ કરતાં પણ, જીવ તે બધાય વગર પોતાના
જ્ઞાનસ્વરૂપે ટકી રહે છે, માટે જીવ તે બધાય પદાર્થો કરતાં ઊર્ધ્વ છે.
• જીવમાંથી રાગાદિ બધુંય બાદ કરતાં કરતાં છેવટે જીવમાંથી જે બાદ ન થઈ શકે
એવું અબાધ્ય જ્ઞાનસ્વરૂપ, તે તારું અસલી સ્વરૂપ છે; જે બાદ થઈ શકે તે તારું
અસલી સ્વરૂપ નથી.
• રાગ વગરનો આત્મા અનુભવી શકાય છે, માટે રાગ તે આત્માનું સ્વરૂપ નથી.
• જ્ઞાન વગરનો આત્મા અનુભવી શકાતો નથી માટે આત્મા જ્ઞાનસ્વરૂપ છે.
––આમ સર્વ પ્રકારે ભેદજ્ઞાન કરીને, રાગથી ભિન્ન જ્ઞાનનો સ્વાદ લેવો.
અરે, જગતના જીવો પોતાના ચૈતન્યસુખને ભૂલીને વિષય–
કષાયમાં સુખ માની રહ્યા છે; પરંતુ પોતાનું જે ચૈતન્યસુખ છે તેની
સંભાળ કરવાનો અવકાશ લેતા નથી; તેમનું તો જીવન વિષયોમાં વેડફાઈ
જશે ને નકામું ચાલ્યું જશે. વિષયોથી વિરક્ત થઈને આત્મિકસુખના
અભ્યાસમાં જે જીવન વીતે છે તે જીવન સફળ છે.