તે ગુણસ્થાનવાળા કોઈ ને કોઈ જીવ જગતમાં સદાય હોય જ છે, તેનો કદી
વિરહ નથી; અને બાકીનાં ૨, ૩, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ એ સાત ગુણસ્થાનો
સાંતર છે.
પ્રશ્ન:–ભેદજ્ઞાનની રીત અટપટી અઘરી લાગે છે તો શું કરવું?
ઉત્તર:–વારંવાર દ્રઢપણે અતિશય પ્રેમથી તેનો અભ્યાસ કરતાં તે જરૂર સુગમ
થઈ જાય છે. ભેદવિજ્ઞાન કરીકરીને અનંતા જીવો મુક્તિ પામ્યા, તે જીવો
આપણા જેવા જ હતા, તો તેમણે જે કર્યું તે આપણાથી પણ થઈ શકે તેવું છે.
ખરી ધગશથી તેનો અભ્યાસ કરવો જોઈએ. અટપટું તો છે પણ અશક્ય નથી,
એટલે તેના ખરા પ્રયત્નથી તે જરૂર થઈ શકે તેવું છે. સાચી સમજણથી માર્ગ
સરળ થઈ જાય છે.
શુદ્ધજ્ઞાનને અનુભવી શકાય છે. માટે નિરંતર ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો.
પ્રશ્ન:–જાતિસ્મરણજ્ઞાન ક્યારે થાય?
ઉત્તર:–એ જ્ઞાન જેને પૂર્વભવના તે પ્રકારના સંસ્કાર હોય તેને થાય છે. પણ
મુમુક્ષુને મુખ્યતા આત્મજ્ઞાનની છે, જાતિસ્મરણની મુખ્યતા નથી. મોક્ષનું કારણ
આત્મજ્ઞાન છે, જાતિસ્મરણજ્ઞાન મોક્ષનું કારણ નથી. ધર્મસંબંધી
જાતિસ્મરણજ્ઞાન હોય તો તે વૈરાગ્યનું કે સમ્યક્ત્વાદિનું નિમિત્ત થાય છે. પણ
ભાવના અને પ્રયત્ન આત્મજ્ઞાનનો હોય, જાતિસ્મરણનો નહીં.
જાતિસ્મરણ છે, તે મોક્ષનું કારણ છે.
પ્રશ્ન:–દર્શનમોહની એક પ્રકૃતિનું નામ ‘સમ્યક્ત્વપ્રકૃતિ’ કેમ છે?
ઉત્તર:–કેમકે તેના ઉદયની સાથે ‘સમ્યક્ત્વ’ પણ હોય છે, એટલે સમ્યક્ત્વની
સહચારિણી હોવાથી તેનું નામ ‘સમ્યક્ત્વપ્રકૃતિ’ પડ્યું. ક્ષાયોપશમિક
સમ્યક્ત્વની સાથે તેનો ઉદય હોય છે.