: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૩ :
પ્રશ્ન:–ધર્મનો મર્મ શું છે?
ઉત્તર:–આત્મા પોતાના સ્વભાવસામર્થ્યથી પૂરો છે ને પરથી અત્યંત જુદો છે––
એમ સ્વ–પરની ભિન્નતા જાણીને, સ્વદ્રવ્યના અનુભવથી આત્મા શુદ્ધતાને પામે
તે ધર્મનો મર્મ છે.
પ્રશ્ન:–કેવળજ્ઞાનીના શરીરમાં નિગોદજીવો હોય?
ઉત્તર:–ના; કેવળીનું શરીર પરમ ઔદારિક છે, તેના આશ્રયે નિગોદના જીવો ન
હોય. પરમ ઔદારિક શરીર, આહારક શરીર, દેવ તથા નારકીનાં વૈક્રિયિકિ
શરીર, પૃથ્વી–અપ્–તેજ–વાયુકાય, એ આઠ સ્થાનોનાં આશ્રયે નિગોદજીવો નથી.
(સૂક્ષ્મનિગોદ તો જગતમાં સર્વત્ર છે, તે કોઈના આશ્રયે નથી. બાદરનિગોદજીવો
ઉપરોક્ત સ્થાનના આશ્રયે હોતાં નથી; તે ક્ષેત્રે ભલે હો.)
પ્રશ્ન:–જીવ અત્યારે જે પુણ્ય–પાપ કરે છે તેનું ફળ ક્યારે મળે?
ઉત્તર:–કરેલા પુણ્ય–પાપનું ફળ કોઈ જીવને આ ભવમાં જ પણ મળે છે ને કોઈને
પછીના ભવમાં મળે છે.
કોઈને પુણ્યભાવના બળે કે પવિત્રતાના બળે પૂર્વનાં પાપ પલટીને
પુણ્યરૂપ પણ થઈ જાય છે; એ જ રીતે તીવ્રપાપથી કોઈને પૂર્વનાં પુણ્ય–પલટીને
પાપરૂપ પણ થઈ જાય છે.
પુણ્ય–પાપનાં પરિણામનો (કલુષતા–અશાંતિનો) ભોગવટો તો તે
પરિણામ વખતે જ જીવને થતો હોય છે, તેની આકુળતાને તે વખતે જ તે વેદે છે.
કોઈ જીવ શુદ્ધતાના બળે, પૂર્વે બાંધેલા પાપકર્મને ફળ આવ્યા પહેલાંં જ
છેદી નાંખે છે.
પ્રશ્ન:–એક છૂટો પરમાણુ આંખથી કે બીજા કોઈ (દૂરબીન વગેરે) સાધનથી જોઈ
શકાય ખરો?
ઉત્તર:–ના; મૂર્ત હોવા છતાં પાંચઈન્દ્રિય સંબંધી જ્ઞાનનો તે વિષય નથી;
અવધિજ્ઞાન વડે પરમાણુને જાણી શકાય. પણ બહારનાં કોઈ સાધનથી
અવધિજ્ઞાન થતું નથી. અવધિજ્ઞાન આંખવડે પણ જણાતું નથી.
પરમાણુને જાણે એવું સૂક્ષ્મ અવધિજ્ઞાન જ્ઞાનીને જ થાય છે, અજ્ઞાનીને
તેવું અવધિજ્ઞાન થતું નથી. એટલે, એકત્વરૂપ પરમ–આત્માને જે જાણે તે જ એક
પરમાણુને જાણી શકે.