Atmadharma magazine - Ank 342
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 45

background image
: ચૈત્ર: ૨૪૯૮ આત્મધર્મ : ૧૧ :
આ રીતે પાંચ રત્નો જેવી આ પાંચ ગાથાઓમાં કહેલા ભેદજ્ઞાનની
ભાવનાવડે જેણે પોતાના સહજ ચૈતન્યતત્ત્વને સમસ્ત પરભાવોથી ભિન્ન પાડયું છે,
ભેદજ્ઞાનવડે સમસ્ત વિષયોની ને પરભાવોના ગ્રહણની ચિન્તાને છોડી દીધી છે ને
પોતાના શુદ્ધ–દ્રવ્ય–ગુણ–પર્યાયના સ્વરૂપને જ ગ્રહણ કર્યું છે, એવો ભવ્યજીવ
અલ્પકાળમાં જ મુક્તિને પામે છે. ભેદજ્ઞાનની ભાવનાનું આ ફળ છે.
અધ્યાત્મરસની અપૂર્વ ધારા ભેદજ્ઞાનમાં વહે છે.
ધર્મીએ ભેદજ્ઞાનવડે બે વિષયોને જ જુદા પાડી નાંખ્યા–એકકોર અંતરમાં
શુદ્ધ અભેદ સ્વવિષય; અને બીજીકોર બધાય પરવિષયો; આવા ભેદજ્ઞાનવડે શુદ્ધ–
સ્વવિષયનું ગ્રહણ કર્યું, ને સમસ્ત પરવિષયોનું ગ્રહણ–છોડ્યું.–આવું કરે ત્યારે
મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરીને જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય. પરવિષયમાં તો શુદ્ધાત્મા સિવાય
બીજું બધુંય આવી ગયું. કોઈ પણ પરવસ્તુને વિષય બનાવીને જે શુભવૃત્તિ ઊઠે તે
પણ આત્માનો સ્વવિષય નથી, તેને પણ પરવિષય જાણીને ધર્મી છોડે છે, એટલે કે
સ્વવિષયથી તેને ભિન્ન જાણે છે. જેને ભિન્ન જાણે તેનું કર્તૃત્વ કેમ હોય? તેની
ભાવના કેમ હોય? તેનું ગ્રહણ કરવાની બુદ્ધિ કેમ હોય? આ રીતે ધર્મીને સમસ્ત
પરવિષયોના ગ્રહણની બુદ્ધિ છૂટી ગઈ છે ને શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપે એક
સ્વવસ્તુનું જ ગ્રહણ છે, તેમાં જ એકાગ્રચિત્ત વડે તે પરમઆનંદને અનુભવે છે ને
મોક્ષને સાધે છે.
આવા આત્માના અનુભવમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની નિર્મળપર્યાયના
ભેદરૂપ ભાવલિંગ પણ નથી. અનુભવમાં નિર્મળપર્યાય થાય છે, ખરી, પણ ‘આ
દ્રવ્ય, ને આ મારી નિર્મળપર્યાય’ એવા ભેદો એક અભેદ ચીજમાં નથી. અભેદમાં
ભેદ ઉપજાવતા વિકલ્પ ઊઠે છે ને આકુળતા થાય છે, ત્યાં બીજા બાહ્યવિકલ્પોની તો
શી વાત? વિકલ્પો તો આકુળતાની ભઠ્ઠી છે, ચૈતન્યની શાંતિ તેમાં નથી.
શાંતરસના પિંડરૂપ મારું ચૈતન્યતત્ત્વ, તે વિકલ્પની અશાંતિમાં કદી આવે નહીં;
સુખના સમુદ્રમાં મગ્ન થયેલો આત્મા, આકુળતાનો કર્તા કેમ થાય? અહા! આવું
ચૈતન્યતત્ત્વ...તેને લક્ષમાં લેતાં પરમ આનંદ થાય છે. એકવાર આવું તત્ત્વ અંદર
લક્ષમાં તો લ્યો. એને લક્ષમાં લેતા એક પળમાત્રમાં સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન ને
મહાન આનંદ થશે.
જેણે સ્વાનુભવથી આવા નિજતત્ત્વને જાણ્યું તેણે બધું જાણ્યું. અને જેણે
નિજતત્ત્વને ન જાણ્યું તેનું બીજું બધું જાણપણું નિષ્ફળ છે.–