Atmadharma magazine - Ank 342
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 45

background image
: ચૈત્ર: ૨૪૯૮ આત્મધર્મ : ૧૩ :
શિષ્યના અનુભવનું વર્ણન
શ્રીગુરુએ જેવો આત્મા બતાવ્યો તેવો શિષ્યે અનુભવ્યો;
તે ધર્મી પોતે જ પોતાના અનુભવની સાક્ષી આપે છે.
[રાજકોટશહેરના પ્રવચનોમાંથી: સમયસાર ગા. ૩૮]
સમયસારની ૩૮ મી ગાથામાં ધર્માત્માના અનુભવનું અલૌકિક વર્ણન છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપે પરિણમેલા આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપનું કેવું સચેતન
હોય છે તે કહે છે–
હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન–દર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે.
સમ્યગ્દર્શન થતાં આવા આત્માને અનુભવ્યો. પહેલાંં અજ્ઞાનદશામાં પોતે
પોતાના આત્મસ્વરૂપને ભૂલી ગયો હતો, ત્યારે મોહથી ઉન્મત્ત હતો, સ્વ કોણ?
પર કોણ? તેનું કાંઈ ભાન ન હતું એટલે અત્યંત અપ્રતિબુદ્ધ હતો હવે ભાન
થયું ત્યારે પહેલાંંની ભૂલની પણ ખબર પડી કે અરે! હું તદ્ન અવિવેકી
અજ્ઞાની થઈને મારા પરમાત્મસ્વરૂપને ભૂલ્યો હતો. હવે આત્મજ્ઞાની વીતરાગી
ગુરુના ઉપદેશથી મને મારા સ્વરૂપનું ભાન થયું, મારા પરમેશ્વર–આત્માને મેં
મારામાં દેખ્યો; મારા આત્માને જ મેં પરમેશ્વરરૂપે અનુભવ્યો. હવે મારા
જ્ઞાનાનંદરૂપ સ્વસંવેદનપ્રત્યક્ષ આત્મા સિવાય એક પરમાણુ કે વિકલ્પ પણ મને
મારા સ્વરૂપે અનુભવાતા નથી. રાગથી છૂટા પડીને ચેતનારૂપે પરિણમેલા સંત–
ગુરુએ મને મારું સ્વરૂપ રાગાદિથી તદ્ન ભિન્ન ચેતનામય બતાવ્યું; અતીન્દ્રિય
આનંદથી ભરેલું મારું તત્ત્વ મેં હવે અનુભવ્યું. પહેલાંં મારાં આનંદના એક
અંશની પણ મને ખબર ન હતી, હવે પરમ આનંદથી ભરેલું મારું તત્ત્વ મેં
મારામાં પ્રત્યક્ષ દેખ્યું.