ભગવાન મહાવીર
અહો વીરનાથ! આપ અમારા પરમ દેવ છો. ચૈત્ર સુદ
તેરસે આ સંસારચક્રનો છેલ્લો અવતાર પૂરો કરીને, ચૈતન્યની
આરાધના વડે આપે આત્માને તો ઉજ્વળ કર્યો, ને ચૈત્ર સુદ
તેરસને પણ ઊજળી કરી. દર વર્ષે ચૈત્ર સુદ તેરસ આવે છે ને
આપની ચૈતન્યઆરાધનાને જગત યાદ કરે છે. આ વખતે તો
વાંકાનેરમાં ચૈત્ર સુદ તેરસે કોઈ અપૂર્વ ભાવે હે નાથ! આપની
ચૈતન્યસાધનાને યાદ કરીએ છીએ...ને આત્મામાં જાણે આપનો
સાક્ષાત્કાર થાય છે.
અહો, વહાલા વીરનાથ! કેવો છે આપનો માર્ગ!
આપનો માર્ગ એ વીરનો માર્ગ છે. મહા આનંદદાયક એ
વીરમાર્ગ અમારા મહાન ભાગ્યે ગુરુકહાન આજે પ્રકાશી રહ્યા
છે. ૩૭ વર્ષ પહેલાંં સોનગઢમાં સં. ૧૯૯૧ ચૈત્ર સુદ તેરસે
કહાનગુરુએ આપના સત્યમાર્ગને પ્રસિદ્ધિમાં મુક્યો ને આજ
સાડત્રીસ વર્ષથી તેઓશ્રી વીરમાર્ગના મધુરા વહેણ ભારતમાં
વહાવી રહ્યા છે. અહા! વીરમાર્ગના આ મધુરા વહેણ અમારા
આત્માને પાવન કરે છે...
પ્રભો! પ્રિયકારિણી–ત્રિશલામૈયાની કુંખે અવતરીને
આત્મસાધનાવડે આપે આપના અવતારને સફળ કર્યો...ને
આપના માર્ગને પામીને અમારો અવતાર પણ સફળ થયો.
કેમકે–
હે વીરનાથ! અમે પણ આપનાં જ સંતાન છીએ, ને
આપના જ માર્ગમાં ચાલ્યા આવીએ છીએ.
जय महावीर