: ચૈત્ર : ૨૪૯૮ આત્મધર્મ : ૧ :
જ્ઞાનરસનું ઘોલન
સાધકને અંતરમાં જ્ઞાનરસનું ઘોલન સદાય
ચાલતું હોય છે. જ્ઞાનરસ, આત્મરસ, એટલે
ચૈતન્યરસના આનંદનો રસ, તેમાં રાગનો જરાય
સ્પર્શ નથી, રાગ સાથે એને કાંઈ લાગતું–વળગતું નથી.
જ્ઞાયકસ્વભાવમાં જ્ઞાનપરિણતિની એકતા થઈ, ને
જ્ઞાનરસ રાગથી ભિન્નપણે સ્વાદમાં આવ્યો, તે
જ્ઞાનમાં કેવળજ્ઞાન આવી ગયું, તેમાં મોક્ષમાર્ગ આવી
ગયો, તેમાં આખો જ્ઞાનસ્વભાવ આવી ગયો.
સ્વસન્મુખ થઈને આત્મા પોતે જ્ઞાનરસરૂપ પરિણમ્યો
તેમાં આત્માનું બધું માપ આવી ગયું; અનંતગુણોનો
સ્વાદ તેમાં સમાઈ ગયો. તે જ્ઞાનની જાતવડે
કેવળજ્ઞાનનો ને અખંડસ્વભાવનો નિર્ણય આવી ગયો.
એ નિર્ણયની તાકાત રાગમાં–વિકલ્પમાં નથી.
વિકલ્પનો એક અંશપણ જ્ઞાનરસમાં સમાતો નથી.
વિકલ્પને વ્યવહાર ગણીને તેને જેઓ આત્માના
અનુભવનું સાધન બનાવવા માંગે છે તેઓ મોટી
ભૂલમાં પડેલા છે. બાપુ! તારા જ્ઞાનની જાત વિકલ્પથી
તદ્ન જુદી જ છે. એનું ભેદજ્ઞાન કરીને રાગથી જુદો
પડ, તો જ્ઞાનવડે આત્માની સાધના થાય ભાઈ,
જ્ઞાનસ્વભાવનો અનુભવ તો જ્ઞાનવડે જ થાયને!–
કાંઈ રાગવડે જ્ઞાનનો અનુભવ ન થાય. જેમ જડ અને
ચેતનની જાત જ જુદી છે, તેમ રાગ અને જ્ઞાનની જાત
જ જુદી છે. રાગથી ભિન્ન એકલા ચૈતન્યના
અતીન્દ્રિય જ્ઞાનરસના ઘોલનમાં જ મોક્ષનો માર્ગ
સમાય છે. અહા, જ્ઞાનરસનો સ્વાદ અતીન્દ્રિય
આનંદથી ભરેલો છે,–આત્માનો આવો સ્વાદ આવે
ત્યારે મોક્ષમાર્ગ ખૂલે ને ત્યારે જીવ ધર્મી થાય.
જ્ઞાનરસના ઘોલનમાં પરમ અદ્ભુત શાંતિ છે.
[રાજકોટમાં અંતરના ઘોલનના ગુરુદેવના ઉદ્ગાર]