Atmadharma magazine - Ank 342
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 45

background image
: ૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૮
આત્માને સાધવાની રીત
આત્મરાજાની સેવા વડે જ આત્મા સધાય છે;
રાગની સેવા વડે આત્મરાજા રીઝતા નથી.
[રાજકોટ શહેરના પ્રવચનોમાંથી સમયસાર ગા. ૧૭–૧૮]
દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ આત્મા છે, તે ‘રાજા’ છે, એટલે કે સ્વરૂપની શ્રેષ્ઠ
લક્ષ્મીથી તે શોભાયમાન છે; આવા ચૈતન્યરાજાને ઓળખીને–શ્રદ્ધીને મોક્ષાર્થી જીવે તેની
સેવા કરવી.
જે જીવ મોક્ષાર્થી છે તેની આ વાત છે. મોક્ષાર્થી એટલે આત્માનો એકનો જ અર્થી,
બીજાનો અર્થી નહીં. જે સંસારનો અર્થી છે તે મોક્ષનો અર્થી નથી. જે રાગનો–પુણ્યનો–
વૈભવનો અર્થી છે તે આત્માનો અર્થી નથી; જગતને સારૂં લગાડવાનો કે જગત પાસેથી
માન લેવાનો જે અર્થી છે તે આત્માનો અર્થી નથી. અહા, જે આત્માર્થી થયો છે, જેને
એક આત્માર્થ સાધવાનું જ કામ છે, બીજી કોઈ ભાવના નથી, એવો જીવ પોતાના
ચિદાનંદસ્વરૂપ આત્માને જાણીને તેને જ સેવે છે. આત્માનો જ અર્થી થઈને આત્માને
સેવતાં જરૂર આત્માના આનંદની પ્રાપ્તિ થાય છે.
જેને હવે સંસારના ઝેર ઉતારી નાખવા છે ને મોક્ષસુખનાં અમૃતનો સ્વાદ
ચાખવો છે તે જીવો સ્વાનુભૂતિવડે પોતાના શુદ્ધઆત્માને જ સેવે છે.
જુઓ, પહેલેથી જ સ્વ–આત્માને સેવવાની વાત કરી; પરની સેવાની વાત ન
કરી. પહેલાંં દેવ–ગુરુ–શાસ્ત્રની સેવાથી આત્માની પ્રાપ્તિ થશે એમ ન કહ્યું; પહેલેથી જ
આત્માને જાણવાની–એટલે કે અનુભવવાની વાત કરી છે. આવા આત્માને જાણવો
અનુભવવો તે જ દેવ–ગુરુ–શાસ્ત્રની સેવા છે કેમકે દેવ–ગુરુ–શાસ્ત્રોએ આત્માનો
અનુભવ કરવાનું જ કહ્યું છે.
આત્માને જાણવો–શ્રદ્ધવો–અનુભવવો ત્રણે એક સાથે થાય છે, તે આત્માનું
સેવન છે. ભાઈ! આવો મનુષ્ય અવતાર પામીને તારા આત્માનો પરમ આનંદ