Atmadharma magazine - Ank 342a
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 49

background image
: ૧૦ : “આત્મધર્મ” : પ્ર. વૈશાખ ૨૪૯૮ :
ભગવાન મહાવીરે સાધેલો અને દિવ્યધ્વનિ
દ્વારા દેખાડેલો આત્માનો સ્વભાવ
[વાંકાનેર: ચૈત્રસુદ તેરસનું મંગલ પ્રવચન: સ. ગા. ૧૪૪]
આજે ભગવાન વીરપરમાત્માના જન્મનો મંગલ દિવસ છે. તે આત્મા તીર્થંકર થયા
પહેલાંં અનાદિ સંસારમાં રખડતાં રખડતાં, પૂર્વભવોમાં સમ્યગ્દર્શન પામ્યા; ને પછી
ઉન્નત્તિક્રમમાં આગળ વધતાં વધતાં ત્રીજા પૂર્વભવમાં મુનિદશામાં ૧૬ ભાવનાપૂર્વક
તીર્થંકરપ્રકૃતિ બંધાણી; ને છેલ્લા ભવે આ ભરતક્ષેત્રના અંતિમ તીર્થંકરપણે અવતર્યા; ઈંદ્રોએ
જન્મકલ્યાણનો મોટો ઉત્સવ કર્યો. તેનો આજે દિવસ છે. ભગવાનના આત્માને સમ્યગ્દર્શન
તેમ જ અવધિજ્ઞાન તો જન્મથી જ હતાં. પછી ત્રીસવર્ષની વયે કુમાર અવસ્થામાં પ્રભુને
જાતિસ્મરણજ્ઞાન થયું; પૂર્વભવોમાં આત્મા ક્્યાં હતો તે દેખ્યું, ને વૈરાગ્ય ઘણો વધી ગયો;
તેથી દીક્ષા લઈને મુનિ થયા. મુનિ થઈને આત્માના જ્ઞાન–ધ્યાનપૂર્વક સાડાબાર વર્ષ સુધી
વિચારતાં–વિચારતાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું, ને અરિહંતપરમાત્મા થયા. આત્માના આનંદમાં
ઝુલતાં–ઝુલતાં ભગવાન કેવળજ્ઞાન પામ્યા હતા. કેવળજ્ઞાન થયા પછી તે વીરનાથ ભગવાને
દિવ્યધ્વનિ દ્વારા આત્માનો કેવો સ્વભાવ બતાવ્યો તેનું આ વર્ણન છે.
હું જ્ઞાનસ્વભાવ છું–એમ જેણે શ્રુતના અવલંબનથી નક્કી કર્યું છે તે જીવ જ્યારે મતિ–
શ્રુતને અંતર્મુખ કરીને અંતરમાં આનંદના નાથને ભેટે છે, ચૈતન્યભગવાનને સ્પર્શે છે, ત્યારે
નયના બધા વિકલ્પોથી તે છૂટો પડી જાય છે, ને નિર્વિકલ્પપણે વિજ્ઞાન–ઘનસ્વભાવમાં
પહોંચી જાય છે.
નયપક્ષના વિકલ્પ વગરનો આત્મા સ્વાનુભવના આનંદથી સ્વયંમેવ શોભે છે. જેમ
ભગવાન અરિહંતદેવનું શરીર આભૂષણ વગર જ સ્વયંમેવ શોભે છે; તેમ ચૈતન્યતત્ત્વ પોતે
સ્વભાવથી જ જ્ઞાન–આનંદમય છે, પોતાના જ્ઞાન–આનંદવડે તે સ્વયમેવ શોભે છે. આવા
ચૈતન્યતત્ત્વને શોભા માટે કોઈ વિકલ્પના આભૂષણની જરૂર નથી. વિકલ્પલક્ષણવડે
ભગવાન આત્મા લક્ષિત થતો નથી; વિકલ્પથી ભિન્ન થયેલું જે જ્ઞાન,