પરમશાંત, તેને રાગના આકુળરસ સાથે મેળ ખાય નહિ. મારો ચૈતન્યરસ, તેમાં વિકલ્પોની
ભઠ્ઠી નથી. હવે મારું જ્ઞાન વિકલ્પ તરફ ખેંચાતું નથી, જ્ઞાન તો જ્ઞાનસ્વરૂપમાં જ ખેંચાઈને,
પોતે પોતામાં મગ્ન થાય છે. આવા જ્ઞાનના અનુભવમાં વિકલ્પનો આધાર નથી. જ્ઞાન પોતે
જ પોતાના આધારે જ્ઞાનરૂપે પરિણમતું થકું, પોતાને વિકલ્પથી ભિન્ન જ્ઞાનરૂપે અનુભવે છે.
જેણે આવો અનુભવ કર્યો તે જીવ મહાવીરના માર્ગમાં આવ્યો.
વેદવાપણું જ્ઞાનીના જ્ઞાનમાં રહ્યું નથી. જ્ઞાનીનું જ્ઞાન તો વિકલ્પથી પાર શાંતરસરૂપ થયું છે.
આવું જ્ઞાન તે ભગવાને કહેલા બારે અંગનો સાર છે. અહા, ચૈતન્યના આનંદના રસ અમે
ચાખ્યા, જગતના વિષયરસમાં હવે અમારી પરિણતિ જાય નહિ. ચૈતન્યના આનંદરસ પાસે
જગતના બધાય રસ તૂચ્છ છે. દુનિયા તો ગાંડી છે, દુનિયા શું બોલશે? નિંદા કરશે કે પ્રશંસા
કરશે? તે જોવા જ્ઞાની રોકાતા નથી. દુનિયા પાસેથી સર્ટીફિકેટ (પ્રમાણપત્ર) લેવું નથી.
અમારા અનુભવ–જ્ઞાનવડે અમારા આત્માનું પ્રમાણપત્ર મળી ગયું છે; પોતાના આત્મામાંથી
શાંતિનું વેદન આવી ગયું છે ત્યાં બીજાને પૂછવાપણું રહેતું નથી. અમે હવે ભગવાનના
માર્ગમાં ભળ્યા છીએ...વીરભગવાને કહેલો માર્ગ આત્મામાં દેખી લીધો છે...ને તે માર્ગે
અલ્પકાળમાં પૂર્ણ આત્માને સાધીને અમે પણ પરમાત્મા થઈશું.