: પ્ર. વૈશાખ : ૨૪૯૮ “આત્મધર્મ” : ૩૩ :
[નાઈરોબી–આફ્રિકા મુમુક્ષુમંડળ તરફથી આવેલ પત્ર અહીં આપવામાં આવે છે]
[નાઈરોબી તા. ૧૦–૩–૭૨]
પરમ આદરણીય, સદ્ધર્મપ્રચારક, આત્માર્થી આધ્યાત્મિક સંત અને
પરમાત્માના પ્રતિનિધિ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીને
આફ્રિકા પધારવાની વિનંતી
માનનીય પ્રમુખ મહાશય,
શ્રી દિગંબર જૈનસ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ.
સૂજ્ઞ મહાશય,
જયજિનેન્દ્રની અંતરતલ ઘોષણા સાથે લખવાની રજા લઈએ છીએ કે અહીંના મુમુક્ષુ
મંડળની સ્થાપના આજથી ૨૨ વર્ષ પહેલાંં થઈ હતી અને પૂજ્ય ગુરુદેવના પ્રતાપે મંડળની પ્રવૃત્તિ
નિયમિત રીતે ચાલી રહી છે.
પૂજ્ય ગુરુદેવ જગતને આત્માનું પરમ સત્ય સ્વરૂપ બતાવી રહ્યો છે, સમજાવી રહ્યા છે
અને એના પ્રતાપે હજારો લાખો મુમુક્ષુ જીવો જાગ્યા છે, અને પોતાનું આત્મહિત કેમ થાય તેને
સાધવા માટે પ્રયત્નશીલ થઈ રહ્યા છે. એ રીતે પૂજ્ય ગુરુદેવનો પવિત્ર ઉપકાર વર્તી રહ્યો છે.
આ મંડળના પ્રારંભથી જ પૂજ્ય ગુરુદેવનાં મંગળ પ્રવચનોનું વાંચન તેમજ તેમના
ટેપરેકોર્ડિંગ વ્યાખ્યાનો અને તેમના જ સાહિત્યનું વાંચન નિયમિત રીતે યથાશક્તિ અહીંના મુમુક્ષુ
ભાઈઓ તથા બહેનો દરેક હોંશથી કરી રહ્યા છે.
પૂ. ગુરુદેવે જગતના જીવોના કલ્યાણઅર્થે આધ્યાત્મિક ધોધ વહેવડાવ્યો છે. અને
ભારતના હજારો ભવ્ય જીવો આ આધ્યાત્મિક વાણીથી વીતરાગમાર્ગ પ્રતિ વળી રહ્યા છે,
આજના જૈનોનું આ એક અહો ભાગ્ય છે. આ જ રીતે પૂ. ગુરુદેવશ્રીની અમીભરી વીતરાગી
વાણી સુણવાની ઘણા લાંબા સમયથી અહીંના જૈનસમાજે જિજ્ઞાસા સેવેલી છે, અને અમારું
અંતઃકરણ તેઓશ્રીની ભવનાશક વીતરાગી વાણી સાક્ષાત્ સાંભળવા ઝંખી રહ્યું છે.
અમને ઊંડે ઊંડે ચોક્કસ શ્રદ્ધા અને આશા છે કે અમારા સદ્ભાગ્યે ગુરુદેવની
પધરામણીનો પુણ્યપ્રસંગ આફ્રિકામાં થશે, અને તેઓશ્રીના પુણ્યપ્રતાપે આત્મધર્મની ખૂબ
પ્રભાવના થશે, અને ખરેખર ત્યારે જ અમારા મનના મનોરથ સફળ થયા ગણાશે.