Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 64

background image
: ૧૦ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
કુંદકુંદચાર્યદેવ સીમંધર પરમાત્મા પાસે જઈને જે સન્દેશો લાવ્યા છે તે આ
સમયસારમાં છે, તે અહીં કહેવાય છે. આત્માને સંતોએ ‘ભગવાન’ કહીને સંબોધ્યો છે!
ભગવાન! તું તો અનંત જ્ઞાન ને અનંત આનંદસ્વરૂપ મહાન છો. તું કાંઈ રાગાદિ
જેટલો નથી, રાગનું કર્તૃત્વ તે તારું સ્વરૂપ નથી; તારા ચૈતન્યકિરણમાંથી રાગ નથી
નીકળતો. રાગ વગરનો એકલા ચૈતન્યકિરણોથી પ્રકાશમાન જ્ઞાનસૂર્ય તું છો. ચૈતન્યને
અને રાગને એકપણું કદી નથી, એટલે કર્તાકર્મપણું પણ કદી નથી. આવું ભેદજ્ઞાન થતાં
જ રાગનું કર્તૃત્વ છૂટીને, ચૈતન્યનો રાગવગરનો અત્યંત મધુર સ્વાદ જીવને અનુભવમાં
આવે છે. સમ્યગ્દ્રષ્ટિને જ આવો સ્વાદ આવે છે; ને ચૈતન્યના આ અત્યંત મધુર સ્વાદ
પાસે આખા જગતના વિષયો નીરસ લાગે છે; ચૈતન્યની શાંતિ પાસે રાગની આકુળતા
તો ધગધગતા અગ્નિ જેવી લાગે છે.
અરે, ચૈતન્યવૈભવસંપન્ન આત્મા, તેને રાગવાળો માનીને જીવ ભવદુઃખમાં
રખડે છે. અમૃતચંદ્રસ્વામી પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં કહે છે કે–
एवमयं कर्मकृतैः भावैः असमाहितोपि, युक्त इव प्रतिभाति बालिशानां,
प्रतिभासः स खलु भवबीजम्। –એ રીતે આ આત્મા કર્મકૃત (શરીર તથા રાગાદિ)
ભાવોથી અસંયુક્ત હોવા છતાં, બાલિશ (અજ્ઞાની) જીવોને તે રાગાદિથી સંયુક્ત જેવો
ભાસે છે; તેમનો આ મિથ્યા પ્રતિભાસ જ ખરેખર ભવનું બીજ છે.
રાગનો કષાયવાળો સ્વાદ, અને ચૈતન્યનો અત્યંત મધુર નિરાકુળ સ્વાદ, એ
બંનેના તફાવતને ન જાણતાં અજ્ઞાની તેને એકમેક જ અનુભવે છે એટલે એકલા વિકારી
સ્વાદને જ અનુભવે છે; તેથી તે તે અજ્ઞાનભાવે વિકલ્પને જ કરે છે. જ્યારે ભેદજ્ઞાનવડે
રાગથી ભિન્ન પોતાના અનાદિનિધન અતીન્દ્રિય મધુર ચૈતન્યસ્વાદને જાણે છે ત્યારે
જ્ઞાનથી જુદા એવા કષાયરસને તે પોતાથી અત્યંત ભિન્ન જાણે છે, એટલે તેનો
(વિકલ્પનો) તે કર્તા થતો નથી. આ રીતે જ્ઞાનવડે જ વિકલ્પનું કર્તૃત્વ છૂટે છે.
અરે, હું કોણ છું ને મારું ખરૂં સ્વરૂપ શું છે? શેમાં મારું હિત છે ને શા કારણે હું
દુઃખી થયો? એનો હે જીવ! તું વિચાર તો કર. તારા ચૈતન્યતત્ત્વને બીજાનો સંબંધ નથી,
ને રાગનોય સંબંધ ખરેખર તેને નથી. આવા ભિન્ન ચૈતન્યતત્ત્વનું તું દેખ, તેમાં
આનંદનો સ્વાદ છે.
અહો, ચૈતન્યતત્ત્વ આવું સુંદર, પરમ આનંદરસથી ભરેલું, તેમાં રાગની
આકુળતા કેમ શોભે? ચૈતન્યભાવને રાગ સાથે એકતા કેમ હોય? જેમ સજ્જનના