Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 64

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૨૩ :
કેટલી પાત્રતા જોઈએ! અહો! જેનું ફળ અનંત સુખ, એવી સમજણ કરવા માટે અપૂર્વ
પાત્રતા જોઈએ.
અરે, સિંહ જેવું સિંહક પ્રાણી, તે પણ જ્યાં જાગે છે ને અંદર ઊતરે છે ત્યાં
સમ્યગ્દર્શન પામી જાય છે. મહાવીરભગવાનનો જીવ પૂર્વે દશમાં ભવે સિંહ હતો. ઉપરથી
મુનિઓ ઊતરીને તેની પાસે આવ્યા, ને ચૈતન્યનો ઉપદેશ દેતાં કહ્યું કે અરે આત્મા! તું
દશમા ભવે જગતનો નાથ તીર્થંકર થવાનો છો. તરત સિંહના પરિણામ પલટી ગયા,
જાતિસ્મરણ થયું, આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી, ને અંદર જ્ઞાયકભાવની વીણા
એવી ઝણઝણી ઊઠી કે ત્યાં ને ત્યાં જ તે આત્મા સમ્યગ્દર્શન પામ્યો. પછી મુનિઓની
અપાર ભક્તિ કરી, ને આત્માના અંદરના વેદનપૂર્વક આહાર છોડીને સંથારો કર્યો.
સિંહનો આત્મા પણ આવું એક ક્ષણમાં કરી શકે છે; તેમ દરેક આત્મામાં આવી તાકાત
છે. પાત્ર થઈને જે સમજવા માંગે તે ક્ષણમાં સમજીને સમ્યક્ત્વાદિ પામી શકે છે.
સમ્યગ્દર્શનમાં સ્વ–સ્વરૂપની સેવના છે; રાગનું સેવન તેમાં નથી. રાગના સેવન
વડે સમ્યગ્દર્શન થાય નહિ, રાગથી પાર જ્ઞાયકસ્વભાવપણે આત્મા પોતે પોતાને જ્યારે
સેવે છે ત્યારે તે સમ્યક્ત્વાદિ શુદ્ધભાવરૂપે પરિણમે છે, અને ત્યારે તે આત્માને ‘શુદ્ધ’
કહીએ છીએ. આવો જ્ઞાયક તો પહેલાંં પણ હતો જ, તેની ખબર ન હતી, એટલે પોતાને
અશુદ્ધપણે અનુભવતો હતો. હવે તેનું ભાન કરતાં શુદ્ધપણે તે અનુભવમાં આવ્યો.
જ્ઞાયકભાવની આવી ઉપાસના સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે, અને આવી ઉપાસના તે જ
સમ્યગ્દર્શનનો ઉપાય છે. અખંડસ્વભાવની સન્મુખ થયા વિના તેના આનંદનો નમુનો
આવો નહિ; અને આનંદના અંશના વેદન વગર ‘આખો સ્વભાવ આવો આનંદરૂપ છે–
આવો હું છું’–એવી અખંડસ્વભાવની સમ્યક્પ્રતીત થાય નહિ; હું શુદ્ધ છું’ એમ એણે
જાણ્યું ક્્યાંથી? શુદ્ધ છું–એમ સ્વસન્મુખ થઈને જાણનારની તો દશા જ પલટી જાય છે.
જેમ લીંડીપીપરનો દાણો ભલે નાનો, પણ તેમાં તીખો રસ તો પૂરો ભર્યો છે;
તેમ આ આત્માનું ક્ષેત્ર ભલે મર્યાદિત (અસંખ્યપ્રદેશી), પણ તેમાં જ્ઞાન ને આનંદનો
સ્વભાવ તો પૂરો ભર્યો છે. તે સ્વભાવનો ભરોસો કરતાં પરમાંથી પરિણામની લીનતા
છૂટીને સ્વમાં પરિણામ એકાગ્ર થાય છે ને અતીન્દ્રિય જ્ઞાન–આનંદરૂપ પોતે થઈ જાય છે.
આવી દશારૂપે પરિણમેલા આત્માને ‘શુદ્ધ’ કહેવાય છે.