જ્ઞાનસ્વભાવ ઉપર દ્રષ્ટિ કરે છે ત્યાં પુણ્ય–પાપથી તેનું જ્ઞાન ભિન્ન પડી જાય
છે, તે ભેદજ્ઞાન છે તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે.
ભિન્નપણું હોવા છતાં, જ્ઞાન અને રાગની એકતાનો અનુભવ તે સંસારનું કારણ
છે ને બંનેની ભિન્નતાનો અનુભવ તે મોક્ષનું કારણ છે. અરે, આવા મનુષ્ય
પણામાં જો પોતાના ચૈતન્યતત્ત્વને ઓળખીને જીવન સાર્થક ન કર્યું તો જીવને
મનુષ્યપણું પામીને શો લાભ? ભાઈ, તારા સત્ય તત્ત્વને તું રુચિમાં લે..... તો
તારા ભવના અંત આવી જશે.
આ રીતે બંનેને અત્યંત જુદાઈ છે. એક દુઃખ, એક સુખ, એક જ્ઞાનમય બીજું
જ્ઞાનથી વિપરીત, એક શુચિરૂપ, બીજું અશુચીરૂપ; આવી અત્યંત જુદાઈ છે
આવી જુદાઈ જેઓ નથી જાણતા તેઓ અનાથ છે, પોતાના ચૈતન્ય નાથની
તેને ખબર નથી. અહા, ચૈતન્યતત્ત્વ અનંત નિજવૈભવનું નાથ છે; પરના એક
અંશને પણ તે પોતામાં ભેળવતો નથી. સમ્યકત્વ થતાં પોતાના આનંદના
નાથની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી આનંદના નાથની પ્રાપ્તિ નથી ત્યાં સુધી
જીવ અનાથ છે. ચૈતન્યનું ભાન થતાં આત્મા અનાથ મટીને સનાથ થાય છે.
અહા, ચૈતન્યતત્ત્વની આવી સરસ વાત–જે સમજતાં સંસારથી છૂટકારો થાય ને
પરમ આનંદ થાય–તેનો પ્રેમ કોને ન આવે? બંધનથી છૂટકારાનો ઉત્સાહ કોને
ન હોય? ભાઈ, આ તો છૂટકારાનો અવસર છે. સંતો રાગથી ભિન્ન તારું
સ્વરૂપ બતાવીને તને મોક્ષનો ઉપાય સમજાવે છે. તેને તું ઉલ્લાસથી ગ્રહણ કર.
આવા આત્મસ્વરૂપના ગ્રહણથી અંતરમાં જ આનંદની બીજ ઊગી છે તે ક્રમેક્રમે
વૃદ્ધિગત થઈને કેવળજ્ઞાનરૂપ પૂર્ણિમાં થશે...... તે મહા મંગળ છે.