Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 53

background image
: ૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
ધર્મીને પોતાનો આત્મા શુદ્ધપણે જ્ઞાનમાં–શ્રદ્ધામાં અનુભવમાં આવ્યો તેનું આ
વર્ણન છે.
‘હું શુદ્ધ છું’–કેમકે વ્યાવહારિક ભેદરૂપ નવતત્ત્વથી પાર એક જ્ઞાયકસ્વભાવ
ભાવરૂપે હું મને અનુભવું છું ; મારી આ શુદ્ધ અનુભૂતિમાં નવતત્ત્વના વિકલ્પો નથી.
નવતત્ત્વના ભેદોમાં જે અશુદ્ધતત્ત્વો છે તે અદ્ભુતવ્યવહાર છે, અને જે સંવારાદિ શુદ્ધ
તત્ત્વો છે તે સદ્ભુતવ્યવહાર છે. આવા ભેદરૂપ વ્યવહારના અનુભવમાં અશુદ્ધતા છે.
નવતત્ત્વના ભેદથી પાર જે એક જ્ઞાયકભાવરૂપ ભાવ તે રૂપે હું મને અનુભવું છું તેથી હું
શુદ્ધ છું.–આવો અનુભવ તે આગમનો સાર છે. આવો અનુભવ કરનારું જ્ઞાન આત્માને
આનંદરૂપ કરે છે, જ્ઞાન પોતે અતીન્દ્રિય આનંદસ્વરૂપ થઈને પરિણમે છે. જ્ઞાન અને
સુખ કાંઈ જુદાં નથી. ચૈતન્યના સર્વગુણોનો રસ અનુભૂતિમાં સમાય છે.
જ્ઞાન–દર્શન ઉપયોગસ્વરૂપ ચૈતન્યમય હું છું–ચૈતન્યપણાને હું કદી છોડતો નથી.
ચૈતન્યભાવપણે જ હું મને સદા અનુભવું છું. ચૈતન્યભાવની અનુભૂતિમાં મોહનો
અભાવ છે, દુઃખનો અભાવ છે.
અહા, મારો ચૈતન્યરસ એવો છે કે જેમાં મોહ છે જ નહિ. આનંદમય ચૈતન્ય
નિજરસ, તેમાંથી હવે શુદ્ધ જ્ઞાનદશાની જ ઉત્પત્તિ સદા થયા કરશે, મારા નિજરસમાં
મોહનું મૂળિયું છે જ નહિ. માટે હવે ફરીને કદી મને મોહનો અંકુર ઊપજવાનો નથી.
અરે, મારા ચૈતન્યરસમાં મોહ કેવો? મારા આત્મામાં તો જ્ઞાનનાં અજવાળા પ્રગટયા છે,
મહાન જ્ઞાનપ્રકાશ ખીલ્યો છે, તેમાં હવે મોહનાં અંધારા રહ્યા નથી. સીધું આત્મસન્મુખ
થઈને મતિ–શ્રતજ્ઞાને આત્માને પ્રત્યક્ષ જાણી લીધો છે, સ્વસંવેદનમાં જ્ઞાન અતીન્દ્રિય
થયું છે. તે અતીન્દ્રિય જ્ઞાનપ્રકાશની શી વાત! મહાન જ્ઞાન ઉધોત થયો છે.–હું આવો
નિર્મોહી થયોછું. જ્ઞાનની અસ્તિ ને મોહની નાસ્તિ, એવી પોતાની સ્વરૂપસંપદા જોઈને
મારો આત્મા પ્રસન્ન થયો છે, તૃપ્ત થયો છે. મહાન શાંતરસના સમુદ્રમાં હું મગ્ન થયો છું.
–આવી શુદ્ધ આત્મઅનુભૂતિ મને થઈ છે.
આવો મહાન જ્ઞાનપ્રકાશ પ્રગટ્યો, મહાન આત્મપરમેશ્વરરૂપે મેં મને અનુભવ્યો.
હવે મારા ચૈતન્યની મહત્તાને કોઈ હીણી કરી શકે નહિ, સ્વાનુભવમાં પ્રગટેલો જે મારો
મહાન જ્ઞાનપ્રકાશ, તે હવે જગતમાં કોઈથી હણાય નહિ. અહા, મારા ચૈતન્યનો કોઈ
પરમ અદ્ભૂત અચિંત્ય ચમત્કાર છે. આવી પરમ અદ્ભૂત સંપદાવાળું મારું ચૈતન્ય
સ્વરૂપ મેં અનુભવ્યું છે, હવે મને જગતના કોઈ પદાર્થમાં એકત્વબુદ્ધિરૂપ મોહ કેમ
થાય? કદી ન થાય.