કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૨૩
સર્વજ્ઞદેવના શાસનમાં
જીવ – અજીવ બધી વસ્તુની સ્વતંત્રતાનો ઢંઢેરો
(સ્વ– પરનું ભેદજ્ઞાન, અથવા જીવ–અજીવનું ભેદજ્ઞાન તે જૈનધર્મનો મૂળ
પાયો છે. કોઈ પણ મુમુક્ષુએ ધર્મસાધના માટે પરથી જુદો હું કેવો છું, ને મારું સાચું
કાર્ય શું છે – તે સમજવું જોઈએ. જ્યાં સુધી પરથી પોતાની અત્યંત ભિન્નતાને ન
સમજે, અને પરની ક્રિયામાં મારું જરાય કર્તૃત્વ નથી –એમ ન સમજે, ત્યાં સુધી જીવને
સ્વસન્મુખ થઈને સ્વાનુભવનો પ્રસંગ આવી શકે નહિ.
અહીં, વસ્તુસ્વરૂપનો સિદ્ધાંત કહો કે જૈનધર્મનો સિદ્ધાંત કહો તે સમયસારમાં
અલૌકિક રીતે સમજાવ્યો છે. જગતમાં ક્રિયા – કર્મ અને કર્તા એ ત્રણે સદાય અભિન્ન
જ હોય છે, – એક જ વસ્તુમાં હોય છે, ભિન્ન ભિન્ન વસ્તુમાં હોતાં નથી – એ
મહાસિદ્ધાંત સમજાવીને સ્વ–પરનું ભેદજ્ઞાન કરાવ્યું છે. તે આપ સમયસાર ગાથા ૮પ–
૮૬ ના આ પ્રવચનમાં વાંચશો.)
પ્રથમ તો, વસ્તુસ્વરૂપનો આ મહાન સિદ્ધાંત છે કે –
પરિણમન થવું તે ક્રિયા;
પરિણામ થયા તે કર્મ;
પરિણામી વસ્તુ તે કર્તા;
– આવા ક્રિયા–કર્મ – કર્તા ત્રણે ભિન્ન નથી પણ એક વસ્તુરૂપ જ છે. આ રીતે
અભિન્નપણું હોવાથી તેને બીજી ભિન્નવસ્તુઓ સાથે કંઈ પણ સંબંધ નથી. વસ્તુની
આવી સ્વતંત્રતાનો ઢંઢેરો આચાર્યભગવાને અહીં પ્રસિદ્ધ કર્યો છે. આ મહાનિયમ
જગતના બધા પદાર્થોને લાગુ પડે છે.
(૧) પ્રથમ તો જગતમાં જે કોઈ ક્રિયાઓ છે તે બધીયે પરિણામસ્વરૂપ છે,
એટલે પરિણામથી તે જુદી નથી, પોતે પરિણામરૂપ જ છે. જેમકે જાણવારૂપ જે ક્રિયા
જીવમાં થઈ તે ક્રિયા જ્ઞાનપરિણામસ્વરૂપ જ છે, જ્ઞાનપરિણામથી જુદી કોઈ જાણવાની
ક્રિયા નથી; એટલે જે જાણવાની ક્રિયા છે તે જ્ઞાનપરિણામ જ છે.
(૨) હવે જે પરિણામ છે તે પણ પરિણામી વસ્તુથી જુદાં નથી, પરિણામ અને
પરિણામી અભિન્ન વસ્તુ છે. જેમકે જ્ઞાનપરિણામ છે તે આત્માથી અભિન્ન છે;
આત્માથી જુદા જ્ઞાનપરિણામ નથી.
અહીં એક જ્ઞાનગુણની ક્રિયાની વાત કરી, તેમ આત્માના અનંતગુણોના
પરિણામમાં પણ આત્માથી અભિન્નપણું અને પરથી ભિન્નપણું સમજવું. અનંતા