કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૩૧
હમણાં ગુજરાતમાં જૈનધર્મ શિક્ષણશિબિર દ્વારા ખૂબ ધાર્મિક જાગૃતી
આવતી જાય છે, ને નાના – મોટા સૌને જૈનસિદ્ધાંતનું જ્ઞાન અત્યંત જરૂરી છે – એ
વાત સૌને સમજાતી જાય છે. ગત માસમાં ગુજરાતમાં પ્રાંતિજ મુકામે છઠ્ઠી શિક્ષણ –
શિબિરનું આયોજન થયું હતું. અહીં હજારવર્ષ જુનું દિ. જિનમંદિર છે; સવારથી
રાત સુધી ધાર્મિકશિક્ષણનો કાર્યક્રમ ભરચક રહેતો, ને હજાર ઉપરાંત ભાઈ –
બેનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. અને આ રીતે દરવર્ષે ગુજરાતમાં અધ્યાત્મિક
શિક્ષણશિબિર ખોલાય તે માટે પાંચવર્ષ સુધી દર વર્ષે પાંચહજાર રૂપિયા આપવાનું
પ્રાંતિજના ભાઈશ્રી મીઠાલાલ મગનલાલે જાહેર કર્યું હતું.
ગુજરાત – વીતરાગવિજ્ઞાન – વિદ્યાપીઠની પરીક્ષાઓ જાન્યુઆરી માસના
અંતમાં લેવાશે. તો દરેક ગામની પાઠશાળાના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી તથા
તે માટેના ફોર્મ નીચેના સરનામેથી મંગાવી લેવા: –
(દિગંબર જૈન મંદિર, ખાડીયા પોસ્ટ સામે, અમદાવાદ: ૧)
રાજકોટના એડવોકેટ શ્રી મણિભાઈ ઉદાણી લખે છે કે – “આત્મધર્મ” –
માસિક હું હંમેશાં નિયમીત અને ભાવનાપૂર્વક વાંચું છું. તેમાં આત્માનું સત્ય
સ્વરૂપ સમજાવામાં આવે છે. પૂજ્યપાદ આત્મજ્ઞાની મહારાજશ્રી જે મોક્ષનો માર્ગ
બતાવી રહ્યા છે તે વાંચી આત્માને ઘણો આનંદ થાય છે અને ઘણું જ્ઞાન મળે છે.
આત્મધર્મમાં આવા ઉત્તમ લેખો આપવા માટે હું ઘણા ધન્યવાદ આપું છું.”
આ જરા ધ્યાનમાં લેવા જેવું છે –
પરમ અહિંસામય વીતરાગશાસનમાં મુમુક્ષુનાં પરિણામ વધુ
ને વધુ ઉજ્જવળ થતા જાય છે ને સંસારથી વિરક્ત થતા જાય છે; એટલે
ત્રસહિંસાદિ તીવ્ર કષાયનાં કાર્યોથી તે દૂર રહે છે. ગુરુદેવ ઘણીવાર કહે છે કે
અરે, રાત્રિભોજનમાં તો ત્રસહિંસા છે, મુમુક્ષુને રાતે ખાવાનું કે રાંધવાનું પણ
શોભે નહીં. એ જ રીતે રાતે વીજળીના પ્રકાશમાં ઘણા ત્રસ જીવોની હિંસા થતી
હોય તો તે પ્રકારે વીજળીનો ઉપયોગ પણ કરવો ન જોઈએ. રાત્રિના ભાગમાં
કે વહેલી પરોઢે અંધારામાં જિનમંદિરમાં પૂજન – અભિષેક સંબંધી ક્રિયાઓ થવી
ન જોઈએ. કદાચ થોડી મુશ્કેલી પડે તોપણ, બધા જિનમંદિરોમાં શુદ્ધ આમ્નાય
જાળવા માટે, અને ત્રસહિંસાથી બચવા માટે ઉપર પ્રમાણે કરવું જરૂરી છે.