કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૩૧
પૂ. ગુરુદેવનાં અધ્યાત્મરસઝરતાં પ્રવચનો ઝીલીને મુમુક્ષુઓને પહોંચાડતું, અને
એ રીતે જિનવાણીનું રહસ્ય સમજાવતું, આપણું સૌનું પ્રિય માસીક આજે ત્રીસમાં વર્ષમાં
પ્રવેશ કરી રહ્યું છે. અા પ્રસંગે શ્રી વીતરાગી દેવ – ગુરુ – શાસ્ત્રને પરમ ભિક્તથી હૈયામાં
પધરાવીને નમસ્કાર કરી છીએ.
હિંદી – ગુજરાતી મળીને આત્મધર્મના છહજાર જેટલા ગ્રાહકો છે, ને દરેક અંક
સરેરાશ પાંચ જિજ્ઞાસુઓ વાંચતા હોય છે, એટલે દરમહિને નાના – મોટા ત્રીસહજાર
જેટલા પાઠકોને અનુલક્ષીને આત્મધર્મનું લેખન – સંપાદન થાય છે; તેથી, સૌને સમજાય,
સૌને આત્મહિતની પ્રેરણા મળે, ધર્મસંબંધી વિવિધ જ્ઞાન મળે, દેવ – ગુરુ – ધર્મનો
મહિમા પ્રસિદ્ધ થાય, સાધર્મી – વાત્સલ્ય વધે ને જનસમાજના હજારો નાનાં બાળકો
પણ ઉત્તમ ધર્મસંસ્કાર મેળવે, – એ રીતે નાનામોટા વિવિધ લેખોનું સંકલન કરીને
આત્મધર્મને સર્વાંગ સુંદર બનાવાનો હાર્દિક પ્રયાસ કરવામાં આવે છે. તેમાં સર્વે
સાધર્મીઓનો સહકાર તથા સલાહ – સૂચનાઓ પ્રેમપૂર્વક આવકારવામાં આવે છે. આપ
પણ આપના સલાહ – સૂચના ખુશીથી મોકલી શકો છો. આત્મધર્મના પ્રચારમાં ને
વિકાસમાં આપણે સૌ સાથે જ છીએ.
આત્મધર્મના સરેરાશ ૪૦ પાનાં અપાય છે. (પોસ્ટખર્ચની રાહત ખાતર એક
વખત ૩૨ તથા બીજી વખત ૪૮ પાનાં છપાય છે.) વાર્ષિક લવાજમ ચાર રૂપિયા છે.
લવાજમ ગમે ત્યારે ભરાય. પણ કારતકથી આસો સુધીનું લવાજમ લેવામાં આવે છે,
અને પાછલા અંકો સ્ટોકમાં હોય ત્યાં સુધી અપાય છે.
અંક દરમહિનાની દશમી તારીખે સોનગઢથી પોસ્ટ થાય છે. એટલે પંદરમી
તારીખ સુધીમાં આપને અંક ન મળે તો, આપના પૂરા સરનામા સાથે કાર્યાલયને
(આખર તારીખ સુધીમાં) લખવાથી આપને અંક મોકલવામાં આવશે. પણ ત્યાર
પહેલાં આપ એટલે ખાતરી કરી લેશો કે આ સં. ૨૦૨૯ ની સાલનું નવું લવાજમ આપે
ભરી તો દીધું છે ને!
હજારો જિજ્ઞાસુઓનાં હાર્દિક સહકારને લીધે આત્મધર્મ વધુ ને વધુ પ્રગતિ કરી
રહ્યું છે. હજી પણ વધુ ને વધુ જિજ્ઞાસુઓ પ્રેમથી આત્મધર્મનો લાભ લ્યે ને
આત્મહિતકારી અધ્યાત્મસંસ્કાર વડે પોતાના જીવને શોભાવે, – એવી ભાવના
ભાવીએ છીએ. – “જયજિનેન્દ્ર”
પ્રકાશક: શ્રી દિંગબર જૈન સ્વાધ્યાયમંદિર – ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૩૨પ૦