Atmadharma magazine - Ank 349
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 37

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’
રંગબેરંગી દીવડાથી ઝગમગતા જિનમંદિરમાં ભક્તિભરેલા
વાતાવરણમાં નિર્વાકલ્યાણકસંબંધી મહાપૂજન થયું. ભગવાનની
મોક્ષદશા એટલે આનંદ– પ્રમોદ દશા. ‘મોદ’ એટલે આનંદ; રત્નત્રયના
ફળમાં ભગવાન મહાન આનંદ– પ્રમોદ પામ્યા, તેના સ્મૃતિચિહ્મરૂપે
ત્રણ – મોદક (નિર્વાણ લાડુ) જિનમંદિરમાં સ્થાપન કર્યાં, ને મોક્ષ
પ્રત્યેનો પ્રમોદ મુમુક્ષુઓએ વ્યક્ત કર્યો; અહો વીરનાથ! અમને મોક્ષનો
માર્ગ બતાવીને આપ તો મોક્ષપુરીમાં સિધાવ્યા. આપનો તે માર્ગ,
આપનું તે શાસન આજેય જીવંત વર્તે છે – જયવંત વર્તે છે. ચોથાકાળે
આપે બતાવેલા માર્ગે અમે પંચમકાળના જીવો પણ આવી રહ્યા છીએ.
પ્રવચનમાં નિયમસારની ૧૧૯મી ગાથા દ્વારા, મોક્ષના
કારણરૂપ ભાવના બતાવતાં ગુરુદેવે કહ્યું કે આ આત્મા પૂર્ણ
આનંદસ્વભાવથી ભરેલો, પરમ પારિણામિકભાવ, તેની ભાવના તે
મોક્ષનું કારણ છે. આ પરમસ્વભાવની ભાવનામાં નિશ્ચય વ્રત –
સમિતિ – પ્રાયશ્ચિત વગેરે બધા ધર્મો સમાઈ જાય છે. અહો, આવો
સ્વભાવ બધા જીવોમાં છે. તેની સન્મુખ થઈને ભાવના કરનાર જીવ
અત્યંત આસન્નભવ્ય છે. આવા સ્વભાવની ભાવના વડે ભગવાન મોક્ષ
પામ્યા. હે જીવ! તું પણ આવા સ્વભાવની ભાવના કર, તો તારી
પર્યાય અંતરમાં વળે ને તારામાં ચૈતન્યદીવડારૂપ દિવાળી પ્રગટે.
આત્મસ્વભાવની ભાવનામાં જે અતીન્દ્રિય આનંદનાં અમૃત ભર્યા છે
તે જ દિવાળીનાં અપૂર્વ પકવાન્ન છે. આ દીવાળીના ઊચા પકવાન્ન
પીરસાય છે.
અહો, જેને મુક્તિ એકદમ નજીકમાં થવાની છે, એવા અતિ
આસન્ન ભવ્ય જીવો પોતાના પરમાનંદમય સહજ સ્વભાવને ભાવે છે.
ચૈતન્યની ભાવનાના આનંદ પાસે જગતના રાજા – મહારાજાના
વૈભવની શી ગણતરી છે! અરે, એકવાર તો આશ્ચર્ય કરીને આત્માને
જોવા આવ, – કે કેવો છે આત્મા? જેનાં આટલા વખાણ ને મહિમા
જ્ઞાનીઓ કરે છે તે આત્મા અંદર કેવો છે! તેને જોવાનું કુતૂહલ તો કર.
એને દેખતાં તું ન્યાલ થઈ જઈશ.
આજે દીવાળીની ખુશાલીમાં, ગ્રંથાધિરાજ શ્રી સમયસારની
નવી આવૃત્તિ ફરી છપાવવાનું ગુરુદેવના આશીર્વાદપૂર્વક નક્કી થયું, ને
તેની સહાય માટે રૂા. ૧૧૦૦૩ (અગિયાર હજારને ત્રણ) મુમુક્ષુઓ
તરફથી જાહેર કરવામાં આવ્યા હતા.