Atmadharma magazine - Ank 350
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 41

background image
: માગશર : ૨૪૯૯ આત્મધર્મ : ૩૩ :
સમીપ વર્તે છે. આત્માની સન્મુખ થઈને જે વીતરાગપર્યાય પરિણમી તે જ ધર્મ છે.
આત્માથી જે વિમુખ વર્તે તેને ધર્મ કેવો ? ને સમતા કેવી? આત્મા શું છે તેની જેને
ખબર નથી તેને આત્માની સમીપતા કેવી? ને સામાયિક કેવી
અહો, ચૈતન્ય પરમતત્ત્વ ધર્મીની સ્વાનુભૂતિમાં જયવંત વર્તે છે. તેમાંથી
રાગાદિભાવોનો કે ભવનો પરિચય બિલકુલ છૂટી ગયો છે, તેમાં તો પોતાના ચૈતન્ય
પરમેશ્વરનો જ પરિચય છે. અરે, ચૈતન્યના ભાવમાં ભવ કેવા? હે જીવ! પરમ ચૈતન્ય
સન્મુખ ચેતનાને જાગૃત કરીને એવો પુરુષાર્થ કર કે એક ક્ષણમાં અંદર ચિદાનંદ
સ્વભાવમાં પ્રવેશ કર.... ને પરભાવોથી છૂટો પડી જા. શુદ્ધતત્ત્વને જાણતાં તેમાં
એકાગ્રતાથી સામાયિક થાય છે. સ્વાશ્રિત શુદ્ધપરિણતિ તે જ સામાયિક છે, તેમાં
આત્માની પ્રાપ્તિ છે. ટંકોત્કીર્ણ નિજમહિમામાં લીન એવા શુદ્ધતત્ત્વને સમ્યગ્દ્રષ્ટિ સાક્ષાત્
જાણે છે. તીર્થંકરો – ગણધરો – સંતમુનિવરોના અંતરમાં જે સદા સ્થિત છે એવું પરમ
મહિમા વંત ચૈતન્યતત્ત્વ મને પણ મારી અનુભૂતિમાં ગોચર થાય છે – એમ સમ્યગ્દ્રષ્ટિ
અનુભવે છે. પોતે પોતાને પ્રત્યક્ષ થાય – એવો જ મારો સ્વભાવ છે. આવા પોતાના
આત્માને એકકોર મુકીને કદી કલ્યાણ થાય નહીં. પોતાના મહાન તત્ત્વને જ્ઞાનમાં
સમીપ કરીને એટલે કે સ્વાનુભવગોચર કરીને અપૂર્વ કલ્યાણ થાય છે. આવો આત્મા
કાંઈ અગોચર વસ્તુ નથી; ઈંદ્રિયજ્ઞાનથી તે અગોચર હોવા છતાં, સમ્યગ્દ્રષ્ટિના
સ્વાનુભવજ્ઞાનમાં તે આનંદસહિત ગોચર થાય છે.
અહો, શ્રીગુરુના ઉપદેશવડે આવો આત્મા એકવાર દ્રષ્ટિમાં લીધો ત્યાં હવે સર્વે
પર્યાયોમાં તે જ મુખ્ય રહે છે, તે જ ઊર્ધ્વ છે. ચૈતન્યસ્વભાવની જ સન્મુખતા વડે
ભવભયને હરનારો તે જીવ રાગના નાશને લીધે અભિશમ છે – સુંદર છે – મોક્ષના
માર્ગમાં શોભે છે. રાગવડે જીવની સુંદરતા નથી. રાગના અભાવ વડે જે સ્વાશ્રિત
સમભાવ પ્રગટ્યો તેના વડે જીવની સુંદરતા છે.
શ્રી ગુરુનો ઉપદેશ પણ આ જ છે કે તારા પરિણામમાં તારા ચૈતન્યસ્વભાવી
આત્માને જ તું મુખ્ય રાખ, તેને જ સમીપ રાખ, તેમાં જ એકતા રાખ; ને એના
સિવાય બીજા બધાયને દૂર રાખ. પોતામાં આવા આનંદમય શુદ્ધાત્મતત્ત્વની આનંદમય
અનુભૂતિ થઈ તે જ પરમગુરુઓનો પ્રસાદ છે. અહો, પરમગુરુઓએ પ્રસન્ન થઈને
અમને આવો શુદ્ધાત્માનો પ્રસાદ આપ્યો. તેમના અનુગ્રહવડે અમને જે શુદ્ધાત્મ તત્ત્વનો
ઉપદેશ મળ્‌યો તેનાથી અમને સ્વસંવેદનરૂપ આત્મવૈભવ પ્રગટ્યો.