: માહ : ર૪૯૯ : આત્મધર્મ : ૧૫ :
“પણ મારા એક આ મણિને જડવાનું કામ તો પૂરું કરી આપો.”
નહિ રાજન્! હવે આ અંગારક એવો પહેલાંંનો કલાકાર નથી રહ્યો, હવે તો તે
પોતાના આત્મામાં જ સમ્યક્ત્વાદિ મણિ જડવા માટે જાય છે... એમ કહીને અંગારક
ચાલતો થયો.
રાજા તો દિગ્મૂઢ બનીને જોઈ જ રહ્યો. ઘણો વિચાર કરવા છતાં આ ઘટનાનું
રહસ્ય તે ઉકેલી ન શક્યો.
બીજે દિવસે, જ્યારે નગરીના લોકો જ્ઞાનસાગર મુનિરાજના દર્શને આવ્યા ત્યારે
તેમની સાથે બીજા એક નૂતન મુનિરાજને દેખીને નગરજનો વિસ્મિત થયા ને સૌએ
ભક્તિથી તેમના ચરણમાં પણ શીશ ઝુકાવ્યું. પણ અરે! આ તો કલાકાર અંગારક!
પોતાની નગરીના એક નાગરિકને આ રીતે મુનિદશામાં દેખીને સૌને આશ્ચર્ય થયું ને
ક્ષણમાત્રમાં આખી નગરીમાં એ વાત ફેલાઈ ગઈ.
રાજાને ખબર પડતાં જ તે શીઘ્રતાથી આવી પહોંચ્યો... મુનિરાજને વંદનાદિ
કરીને રાજાએ પૂછ્યું: પ્રભો! કાલનો કલાકાર આજ અચાનક અધ્યાત્મયોગી બની જાય
છે, –આમાં શું રહસ્ય છે તે જાણવા અમે સૌ આતુર છીએ.
શ્રી જ્ઞાનસાગર મુનિરાજે મણિ ગૂમ થવાની, અને તે પ્રાપ્ત થવાની બધી વાત
સવિસ્તાર કરીને રહસ્યનું ઉદ્ઘાટન કર્યું, અને કહ્યું–રાજન્! હવે તેણે પોતાના આત્મામાં
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી મણિ જડી દીધા છે; જ્ઞાનમણિના પ્રકાશથી તેનો આત્મા
ઝળહળી રહ્યો છે ને એતો અજ્ઞાનઅંધકાર નષ્ટ થઈ ગયો છે. હવે તે જડ–પથ્થરનો
કલાકાર મટીને, ચૈતન્યમણિનો કલાકાર બન્યો છે.
કલાકારની રહસ્યભરી કથા સાંભળતાં રાજા અને નગરજનો ખૂબ જ વિસ્મિત
અને હર્ષિત થયા. સૌએ એક સ્વરથી “રત્નત્રય–કલાકારકી જય, અંગારક મુનિરાજકી
જય” બોલીને આકાશ ગજાવી દીધું... ને રાજાએ એ પદ્મરાગમણિ વડે અંગારકમુનિના
ચરણોની પૂજા કરી... કલાકારે જે મણિ છોડી દીધો તે જ ફરીને તેના ચરણોમાં
ઝગમગી રહ્યો.