Atmadharma magazine - Ank 352
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 29

background image
: માહ : ર૪૯૯ : આત્મધર્મ : ૧૭ :
જ્ઞાનને ઉદાર અને ઉજ્વળ કરીને, એટલે રાગથી અત્યંત જુદું કરીને મોક્ષાર્થી
જીવો આનંદમય શુદ્ધ ચૈતન્યજ્યોતિનું જ સદાય સેવન કરો. શુદ્ધ ચૈતન્યભાવપણે મને
અનુભવમાં આવતું તત્ત્વ તે જ હું છું; ને ચૈતન્યથી જુદા અન્ય લક્ષણવાળા જે કોઈ
રાગાદિ અન્ય ભાવો નવા નવા પ્રગટ થાય છે–તે કોઈ હું નથી, તે ભાવો મારી
ચૈતન્યશાંતિથી જુદી જ જાતના છે.
રાગના વેદનમાં હું નથી, મતિ–શ્રુતજ્ઞાનમાં સ્વસંવેદન–પ્રત્યક્ષ થયો તે હું છું.
મારા જ્ઞાનના સ્વસંવેદનથી બહાર જે કોઈ રાગાદિ ભાવો છે તે હું નથી, તે મારાથી
પરદ્રવ્ય છે. આમ ભેદજ્ઞાનવડે ધર્મીજીવ શુદ્ધઆત્માને સ્વસંવેદનમાં લ્યે છે. એ સિવાય
બીજા કોઈ વિકલ્પો મારા દ્રવ્ય–ગુણ–પર્યાયમાં નથી. સ્વસંવેદનમાં જે
શુદ્ધઅનુભૂતિપર્યાય થઈ તેમાં રાગનો અનુભવ નથી, માટે જ્ઞાનીની શુદ્ધપર્યાય થઈ તેમાં
રાગાદિ નથી. રાગદશા જેટલી છે તેટલી ધર્મી જાણે છે પણ ચૈતન્યપરિણતિથી તેને જુદી
જાણે છે. શાંતિના વેદનની સાથે રાગાદિની અશાંતિના વેદનને તે ભેળવતો નથી, તેને
પરદ્રવ્ય જેવા જુદા જાણે છે. જગત જગતમાં રહ્યું. મારામાં જગત નથી.
અરે, આ ચોરાશીના અવતાર કરતા જીવે અજ્ઞાનથી વિકારના પડખા જ સેવ્યા
છે. તે પડખું છોડીને જ્ઞાનના પડખે આવવાની આ વાત છે. રાગથી ભિન્ન શુદ્ધાત્માનું
સેવન કરતાં જ્ઞાનમાં અપૂર્વ સ્વસંવેદનસહિત શાંતિ પ્રગટે છે. તે શાંતિના વેદન પાસે
રાગાદિ ભાવોને ધર્મી પોતાથી ભિન્ન, અગ્નિની ભઠ્ઠી જેવા જાણે છે.
અમારું શુદ્ધ જીવાસ્તિકાય અસંખ્ય પ્રદેશે મહા આનંદથી ભરેલું છે. અસંખ્યપ્રદેશે
અનંત શાંતિથી ભરેલું અમારું ચૈતન્યતત્ત્વ છે, તેનાથી અન્ય પુદ્ગલસંબંધી જે કોઈ
ભાવો છે તે ખરેખર અમારા નથી. રાગાદિભાવો પુદ્ગલદ્રવ્ય સાથે સંબંધવાળા છે, તે
અમારા ચૈતન્યભાવ સાથે સંબંધવાળા નથી;– આમ તત્ત્વવેદી જીવ સ્પષ્ટપણે પોતાના
શુદ્ધતત્ત્વને અનુભવે છે, અને તે અપૂર્વ આનંદસહિત સિદ્ધિને પામે છે.
અહો, વીતરાગી સંતોએ ચૈતન્યનો ગરભલો તૈયાર કરીને આપ્યો છે એટલે કે
ચૈતન્યના આનંદનું રહસ્ય ખુલ્લું કરીને બતાવ્યું છે; હવે તે લક્ષગત કરીને અંદરમાં
પચાવવું–અનુભવમાં લેવું તે પોતાના હાથમાં છે. જ્ઞાનના ઉપયોગને અંતર્મુખ કરીને
આવા શુદ્ધ જીવાસ્તિકાયને અનુભવમાં લેતાં અતિ અપૂર્વ એવા સિદ્ધપદના આનંદનો
મહા સ્વાદ આવે છે... તે મહા આનંદનો સ્વાદ લેતો–લેતો મુમુક્ષુ જીવ અલ્પકાળમાં જ
અતિ–અપૂર્વ સિદ્ધિને પામે છે.