Atmadharma magazine - Ank 353
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 49

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ર૧ :
• બહરિાત્માનું સ્વરૂપ •
પોતાનું અંતરંગ જ્ઞાનસ્વરૂપ ભૂલીને બહારમાં શરીર અને જીવને એક માનીને
જે વર્તે છે તે મિથ્યાદ્રષ્ટિ બહિરાત્મા છે; તે તત્ત્વમાં મૂઢ છે. એવા બહિરાત્મા જીવો
અનંતા છે; જગતના જીવોનો મોટો ભાગ મિથ્યાદ્રષ્ટિ–બહિરાત્મા છે. પણ બહિરાત્મપણું
તે જીવનું ખરું સ્વરૂપ નથી, એટલે તેને છોડીને જીવ પોતે અંતરાત્મા તથા પરમાત્મા
થઈ શકે છે.
• અંતરાત્માનું સ્વરૂપ •
દેહથી ભિન્ન અંતરમાં આત્મસ્વરૂપને જે જાણે છે તે અંતરાત્મા છે. નરકમાં પણ
જે સમ્યગ્દ્રષ્ટિ છે તે અંતરાત્મા છે. દેડકું, હાથી, વાંદરો, સિંહ વગેરે તિર્યંચોમાં પણ જે
જીવો દેહથી ભિન્ન આત્માને અંતરમાં અનુભવે છે તેઓ અંતરાત્મા છે. અંતરાત્મા
અસંખ્યાતા છે. ચોથાથી બારમાગુણસ્થાન સુધીના જીવો અંતરાત્મા છે.
તેમાં જેઓ દ્વિવિધ પરિગ્રહથી રહિત છે–અંતરમાં મિથ્યાત્વાદિ મોહથી રહિત છે
ને બહારમાં વસ્ત્રાદિથી રહિત છે, અને શુદ્ધોપયોગ વડે નિજસ્વરૂપના ધ્યાનમાં એકાગ્ર
છે એવા મુનિવરો તે ઉત્તમ અંતરાત્મા છે, એટલે કે સાતમા ગુણસ્થાનથી બારમા
ગુણસ્થાન સુધીના જીવો ઉત્તમ અંતરાત્મા છે.
અંતરમાં આત્માના અનુભવ સહિત જેઓ દેશવ્રતી–શ્રાવક છે કે મહાવ્રતીમુનિ છે
તેઓ મધ્યમ–અંતરાત્મા છે, એટલે કે પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવો મધ્યમ–
અંતરાત્મા છે;
અને અવિરત–સમ્યગ્દ્રષ્ટિ એટલે જેને વ્રતાદિક ન હોવા છતાં પણ અંતરમાં દેહથી
ભિન્ન શુદ્ધઆત્માના અનુભવરૂપ સમ્યગ્દર્શન થયું છે તે જીવો જઘન્ય અંતરાત્મા છે.
આ રીતે ઉત્તમ–મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારના અંતરાત્મા જાણવા. –
ચોથાથી બારમાં ગુણસ્થાન સુધીના આ બધાય અંતરાત્મા જીવો આત્માને જાણનારા છે
ને મોક્ષમાર્ગમાં ચાલનારા છે. બાર અંગને જાણનારા ગણધરભગવાન, અને એક નાનું
સમ્યગ્દ્રષ્ટિ દેડકું–એ બંને અંતરાત્મા છે, બંને ‘શિવમગચારી’ છે–મોક્ષમાર્ગી છે. જુઓ,
ચોથા ગુણસ્થાનવર્તી સમ્યગ્દ્રષ્ટિને પણ મોક્ષમાર્ગી કહ્યા છે. સમન્તભદ્રસ્વામીએ પણ
કહ્યું છે કે– ‘गृहस्थो मोक्षमार्गस्थ’ (રત્નકરંડશ્રાવકાચાર)