Atmadharma magazine - Ank 353
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 49

background image
: ર૬ : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
એકપણું નથી; ક્રોધ તે જ્ઞાન નથી, જ્ઞાન તે ક્રોધ નથી, એમ તે બંનેને અત્યંત જુદાપણું
છે. આ રીતે ઉપયોગસ્વરૂપ આત્માનું સર્વે પરભાવોથી ભિન્નપણું છે. આત્માને પોતાના
ઉપયોગ સાથે એકતા છે, રાગાદિ સાથે તેને એકતા નથી. રાગાદિમાં ખરેખર આત્મા
નથી, ઉપયોગમાં જ આત્મા છે. –આવું ભેદજ્ઞાન કરે ત્યારે જીવ સર્વે રાગાદિથી ભિન્ન
શુદ્ધઉપયોગરૂપે જ રહે છે, અને તેને જ સંવર થતાં નવા કર્મોનું આવવું અટકે છે. –આનું
નામ ધર્મ છે, ને આ મોક્ષનો ઉપાય છે.
આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે અને ક્રોધાદિ ભાવો દુઃખરૂપ છે; તેમને ભિન્ન
જાતિપણું છે એટલે એકપણું નથી. જ્ઞાન–આનંદદશાને અને ક્રોધ–રાગાદિદશાને એકપણું
નથી, એકબીજાના આધારે તેમની ઉત્પત્તિ નથી, અસંખ્યપ્રદેશી ચૈતન્યઘન આત્મા જ્યારે
પોતાને ઉપયોગ સ્વરૂપે અનુભવે છે ત્યારે રાગાદિ કોઈ પરભાવો તેને પોતામાં દેખાતા
નથી, ઉપયોગસ્વરૂપ આત્મા એક જ પોતે–પોતામાં દેખાય છે, માટે રાગાદિભાવો
તેનાથી બહાર છે. તે રાગાદિભાવોની રચના જ્ઞાનવડે થતી નથી.
ઉપયોગરૂપ નિર્મળપર્યાય તેમાં આત્મા છે, પણ રાગમાં આત્મા નથી; રાગના
આધારે આત્મા જણાતો નથી, ને આત્માના આધારે રાગ ઉત્પન્ન થતો નથી. ઉપયોગ
અને રાગ બંનેની જાત તદ્ન જુદી છે. આનંદમય ચૈતન્યસ્વાદમાં આત્મા જણાય છે.
અરે, આત્માના આ આનંદમાં દુઃખ કેવું? –રાગ કેવો? રાગ તો દુઃખ છે, જ્ઞાનમાં તે
સમાય નહીં.
ઉપયોગ એટલે રાગથી ભિન્ન પડીને અંતર્મુખ વળેલી પરિણતિ, તેમાં આત્માની
અનુભૂતિ છે, તેમાં ક્રોધાદિનો અનુભવ નથી. અને ક્રોધાદિના અનુભવરૂપ ક્રિયામાં
જ્ઞાનનો અનુભવ નથી. અંતર્મુખ ઉપયોગમાં શાંતિનું વેદન છે, તે ઉપયોગમાં આત્મા
અભેદ છે, તેના આધારે આત્મા છે, ને તે આત્માને પ્રસિદ્ધ કરે છે, રાગાદિ ભાવોનું તેમાં
સ્થાન નથી –વેદન નથી. અને તે રાગાદિભાવોમાં ઉપયોગસ્વરૂપ ભગવાન આત્મા
રહેતો નથી. સ્વાનુભવક્રિયાથી આત્મા સિદ્ધ થાય છે. જ્ઞાનસ્વરૂપ આત્મા, જાણવાની
ક્રિયામાં (ઉપયોગમાં) રહે છે, તેથી ઉપયોગ પર્યાય તે આધાર છે ને ઉપયોગસ્વરૂપ
આત્મા ત આધેય છે, –એમ બંને અભેદ છે. ખરેખર ઉપયોગથી જુદો બીજો કોઈ તેનો
આધાર નથી... એટલે પોતાના ઉપયોગથી ભિન્ન બીજા કોઈ ભાવો સાથે આત્માને
એકતા નથી, પણ અત્યંત ભિન્નતા છે. અહો, આવું અપૂર્વ ભેદજ્ઞાન ભગવાનના માર્ગમાં
જ છે. આત્માને આનંદિત કરતું આવું ભેદજ્ઞાન પ્રગટે છે.