Atmadharma magazine - Ank 353
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 49

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૩૧ :
અહો, અલૌકિક ભેદજ્ઞાન કરાવ્યું છે. એકકોર એકલો જ્ઞાનસ્વરૂપ આત્માપોતાની
જ્ઞાનપરિણતિમાં અભેદ વર્તતો બિરાજે છે, ને બીજી કોર રાગાદિભાવો–કર્મો–નોકર્મો
વગેરે સમસ્ત પદાર્થો જ્ઞાનથી અત્યંત જુદા છે. આ રીતે ઉપયોગસ્વરૂપ આત્મા
ઉપયોગમાં જ છે, તે રાગાદિમાં નથી; ને રાગાદિ ભાવો રાગાદિમાં જ છે, તે કોઈ ભાવો
ચૈતન્યસ્વરૂપ ઉપયોગમાં નથી. –આમ જ્ઞાન અને રાગનું અત્યંત જુદાપણું ભલી રીતે
સિદ્ધ થયું, શંકા વગર સર્વ પ્રકારે ભેદજ્ઞાન સિદ્ધ થયું. જ્ઞાનનો કોઈ કણિયો રાગમાં નહિ,
રાગનો કોઈ કણિયો જ્ઞાનમાં નહિ; જ્ઞાન સદાય જ્ઞાનરૂપ જ છે, રાગ સદા રાગરૂપ જ છે.
–આવું ભેદજ્ઞાનનું વેદન જેણે કર્યું એવો જ્ઞાની જીવ પોતાના જ્ઞાનમાં રાગાદિ ભાવોને
કણિકા માત્ર પણ રચતો નથી, જ્ઞાનને રાગાદિથી સર્વથા જુદું જ અનુભવે છે; રાગના
કાળે પણ રાગથી ભિન્ન પોતાના જ્ઞાનસ્વરૂપપણે પોતાનું વેદન તેને ખસતું નથી, ને
રાગના કોઈ અંશને પોતાના ચૈતન્યભાવ સાથે તે કદી ભેળવતા નથી. આવું ભેદજ્ઞાન
અપૂર્વ આનંદદાયક છે.
આનંદમય ભેદજ્ઞાન જયવંત વર્તે છે
અરે, સમ્યગ્દર્શનને ભેદજ્ઞાન શું ચીજ છે, –ને એનું અંતરનું વેદન કેવું છે તેની
જગતને ખબર નથી. બાપુ! ચૈતન્યસ્વરૂપ તારો આત્મા, એ તે કાંઈ શુભરાગના
વેદનમાં આવી જાય એવો છે? શું શુભરાગ જેટલી જ ચૈતન્યપ્રભુની કિંમત છે?
શુભરાગથી આત્માનો અનુભવ થવાનું જે માને છે તે તો રાગમાં આત્માને વેચી દે છે,
રાગરૂપે જ આત્માને માને છે, રાગથી જુદો કોઈ આત્મા તેના લક્ષમાં આવ્યો નથી.
અહીં તો સર્વે રાગથી અત્યંત ભિન્ન એકલું ચૈતન્યસ્વરૂપ બતાવીને કહે છે કે આવો
આત્મા જ્ઞાન વડે જ અનુભવમાં આવે છે, તે અનુભવમાં રાગનો કોઈ અંશ નથી.
આવો અનુભવ કરીને હે સત્પુરુષો! તમે પ્રમોદિત થાઓ... આનંદિત થાઓ... અંતરમાં
સાચું ભેદજ્ઞાન કરતાં જ અતીન્દ્રિય આનંદ વેદાય છે, ને તે આનંદને વેદતો–વેદતો
ધર્મીજીવ સિદ્ધપદને સાધે છે.
–આવું આનંદમય ભેદજ્ઞાન જયવંત વર્તે છે.